સરકાર પાસે મદદની માગ સાથે વીડિયો વાયરલ
(પ્રતિનિધિ) સાવલી, વડોદરા, તા. ૨૫
વડોદરા શહેર સહિત સાવલી તાલુકાના સાંઢાસાલ ગામના દસ યુવકો સહિત કુલ વીસ જેટલા યુવકો નોકરી અને સારા પગારની લાલચે મ્યાનમાર ગયા બાદ ત્યાં ફસાઈ ગયાની ઘટના સામે આવી છે. છેલ્લા વીસ દિવસથી આ યુવકો આર્થિક શોષણ તથા માનવ તસ્કરીના જાળમાં ફસાયા હોવાનું જણાવી, મ્યાનમારમાં એક બિનસરકારી સંસ્થામાં આશરો લઈ ત્યાંથી વીડિયો વાયરલ કરી ભારત સરકાર પાસે મદદની માગ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વિવિધ પ્રકારની જાહેરાતો દ્વારા ડેટા એન્ટ્રી સહિત સારા પેકેજની નોકરી આપવાનું કહી યુવકોને પહેલા થાઈલેન્ડ અને ત્યારબાદ મ્યાનમાર લઈ જવાયા હતા. ત્યાં પહોંચ્યા બાદ નોકરીના બદલે દિવસના ૧૪ થી ૧૮ કલાક કામ કરાવવામાં આવતું હતું અને આર્થિક શોષણ થતું હોવાનો આક્ષેપ યુવકો દ્વારા કરવામાં આવ્યો છે. મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે કેટલાક યુવકો યુક્તિપૂર્વક ભાગી નીકળવામાં સફળ થયા હતા અને અંતે મ્યાનમારમાં આવેલી સ્થાનિક બિનસરકારી સંસ્થાએ તેમને આશરો આપ્યો છે.
યુવકોનો દાવો છે કે તેમનું ઇમિગ્રેશન વીસ દિવસ પહેલા પૂર્ણ થઈ ચૂક્યું હોવા છતાં વતન પરત ફરવા માટે કોઈ મદદ કે માર્ગ ન મળતા તેઓ હજુ પણ ફસાયેલા છે. ગ્રુપ વીડિયો દ્વારા ગુજરાતના સોથી વધુ યુવકો મ્યાનમારમાં અલગ–અલગ સ્થળે ફસાયા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મ્યાનમારના માયાવાડી વિસ્તારના સલામત આશ્રયસ્થાને રહેતા યુવકો હાલ ભારે ભય અને અનિશ્ચિતતા વચ્ચે દિવસો પસાર કરી રહ્યા છે.
આ ઘટનાના પગલે પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ છે.

ભોગ બનનાર ગુંજન કુમાર જયેશભાઈ શાહના પિતા જયેશભાઈ શાહે ભારત સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરી પોતાના સંતાન સહિત તમામ ભારતીય યુવકોને સલામત રીતે વતન પરત લાવવા કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.