Dabhoi

વઢવાણા તળાવનું રામસર વેટલેન્ડ તરીકેનું ડેવલોપમેન્ટ નિષ્ફળ

પક્ષીતીર્થ તરીકે ઓળખ ધરાવતા તળાવના વિકાસમાં વનવિભાગ પાંચ વર્ષમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ કરી શક્યું નહીં

ગુજરાત મિત્ર ન્યુઝ, ડભોઇ |

મધ્ય ગુજરાતનું એકમાત્ર અને પક્ષીતીર્થ તરીકે ખ્યાતિ પામેલું વઢવાણા સિંચાઈ તળાવ, જે છેલ્લા પાંચ વર્ષથી રામસર વેટલેન્ડ સાઇડ તરીકે જાહેર થયેલું છે, તેનું વિકાસ કાર્ય સંપૂર્ણપણે નિષ્ફળ ગયાનું ચિત્ર સામે આવ્યું છે. રામસર સાઇડનો દરજ્જો મળ્યા બાદ પણ માછીમારીના ઇજારા સિવાય તળાવના સંરક્ષણ અને વિકાસ માટે કોઈ નવી પહેલ કરવામાં આવી નથી.

વનવિભાગના જવાબદાર અધિકારીઓએ ગુજરાતમાં અન્ય રામસર સાઇડ તરીકે જાહેર થયેલા તળાવોની મુલાકાત લઈ અભ્યાસ કરવાની જરૂર હોવાનું સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓનું માનવું છે. વઢવાણા તળાવને રામસર સાઇડ તરીકે વિકસાવવા માટે જરૂરી માળખાકીય સુવિધાઓ અને પક્ષીઓની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાતા નથી.

પક્ષી ગણતરીમાં સતત ઘટાડો

વઢવાણા રામસર વેટલેન્ડ તળાવના વિશાળ વિસ્તારમાં ચાર વિભાગમાં વહેંચી લાલ ઝંડીઓ લગાવી ઝોન પાડી પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવી હતી. એટલું જ નહીં, તળાવની આસપાસના ખેતરો, જળાશયો, ખાબોચિયા અને નાનાં તળાવો સહિત કુલ સાત વિસ્તારોમાં 13 ટીમો દ્વારા ગણતરી હાથ ધરાઈ હતી.

જો કે, ત્રણ દિવસ ચાલેલી પક્ષી ગણતરીમાં વર્ષ 2021થી સતત પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ વર્ષે પણ પક્ષીઓની સંખ્યા ઓછી જોવા મળતાં અનેક કારણો સામે આવ્યા છે.

પક્ષીઓ ઘટવાના મુખ્ય કારણો

*રામસર વેટલેન્ડ હોવા છતાં કોઈ સુવિધાનો વિકાસ નહીં

*પક્ષીઓ માટે સલામતીની અછત

*ઓછી ઠંડી અને અનુકૂળ વાતાવરણનો અભાવ

*મત્સ્ય ઉછેરનો ઇજારો અપાતા તળાવમાં વધુ પાણી ભરાવ

“પક્ષીઓ નજીકના તળાવો અને જળાશયો તરફ સ્થળાંતર કરવા મજબૂર


ત્રણ દિવસની ગણતરી બાદ પણ વનવિભાગ પાસે કોઈ નોંધપાત્ર આંકડો ન હોવાને કારણે વઢવાણા તળાવનું રામસર સાઇડ તરીકેનું ડેવલોપમેન્ટ નામ પૂરતું જ રહી ગયું હોવાનું સ્પષ્ટ થયું છે.

આ કારણોથી વઢવાણા તળાવને રામસર સાઈટમાં સ્થાન મળ્યું

વર્ષ 1983થી વન્યજીવ સંશોધન ક્ષેત્રે કાર્યરત 136 વર્ષ જૂની બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા વઢવાણા તળાવને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળે તે માટે ટેકનિકલ ઇનપુટ આપવામાં આવ્યા હતા. વર્ષ 2020માં સંસ્થાએ પક્ષી ગણતરી અભિયાનમાં ભાગ લઈ રામસર સાઇડ માટે રિપોર્ટ તૈયાર કરી ભલામણ કરી હતી.

રામસર સાઇટ માટે નીચેના મુદ્દાઓ મહત્વના હોય છે:

*20,000થી વધુ પક્ષીઓનો વસવાટ
*પક્ષી સાઇડ તરીકેની ઓળખ
*પક્ષીઓ માટે સલામત અને અનુકૂળ વાતાવરણ
આ માપદંડોને ધ્યાનમાં રાખી વઢવાણા તળાવને રામસર સાઇડ તરીકે માન્યતા આપવામાં આવી હતી.

અંદાજીત સંખ્યા ફેબ્રુઆરીના અંતે જાણવા મળશે

વઢવાણા તળાવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પક્ષીઓની ગણતરી ચાલુ છે. સંપૂર્ણ ગણતરી શક્ય ન હોવા છતાં અંદાજીત આંકડો ફેબ્રુઆરીના અંત સુધીમાં મળવાની શક્યતા હોવાનું જણાવાયું છે.

— આર.એન. પુવાર, RFO
(શિવરાજપુર રેન્જ)

રિપોર્ટર: સઈદ મનસુરી, ડભોઇ

.

Most Popular

To Top