Vadodara

વડોદરા : MSUમાં વીસીની તાનાશાહી સામે NSUIની તાળાબંધી, AGSUએ 2 હજારનું ચિલ્લર ભરેલો ડબ્બો હેડ ઓફિસના દરવાજે લટકાવ્યો

200 વિદ્યાર્થીઓના ટોળા સામે FIR કરનાર વીસી અને વિજિલન્સ ઓફિસરના રાજીનામાની કરી માંગ :

વિદ્યાર્થીઓ ઉપર કરવામાં આવેલ રાયોટિંગનો કેસ પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી :

( પ્રતિનિધિ ) વડોદરા,તા.9

વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વીસી ની તાનાશાહી સામે વિદ્યાર્થી આલમમાં ભારે રોષ છે. ત્યારે 200 વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનાર વીસીની શાન ઠેકાણે લાવવા માટે મંગળવારે વિદ્યાર્થી સંગઠનો દ્વારા વધુ એક વખત વિરોધાત્મક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. NSUI દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ને તાળાબંધી કરવામાં આવી હતી. જ્યારે AGSU દ્વારા વીસીના બંગલામાં થયેલી નુકસાનની 2000 નો ચિલ્લર ભરેલો ડબ્બો હેડ ઓફિસ ખાતે દરવાજા પર લટકાવવામાં આવ્યો હતો.

એમ.એસ.યુનિવર્સીટીની હોસ્ટેલ કેમ્પસમાં વિદ્યાર્થીઓની મેસની ફી માં 24 હજારની જાહેરાત કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો. અગાઉ વિરોધ પ્રદર્શન દરમિયાન વીસી દ્વારા 200 ના ટોળા સામે સયાજીગંજ પોલીસ મથકે રાયોટિંગનો ગુનો દાખલ કરાવાયો હતો. જે સંદર્ભે પણ વિદ્યાર્થી આલમમાં વિરોધ જારી છે. ત્યારે મંગળવારે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા યુનિવર્સીટીની હેડ ઓફિસ ખાતે પહોંચી તાળાબંધી કરવામાં આવી હતી અને ગેટ પર ધરણાં પ્રદર્શન કર્યું હતું. તેમજ યુનિવર્સીટીના વિજિલન્સ ઓફિસર સુદર્શન વાળા અને વીસી રાજુનામું આપે તેવી માંગ કરી હતી.

NSUI પ્રમુખ અમર વાઘેલાએ કહ્યું હતું કે, હેડ ઓફિસ ખાતે તાળાબંધી કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કેમકે યુનિવર્સીટીનું તંત્ર તદ્દન ખાડે ગયું છે. તેના માટે ફક્ત અને ફક્ત બે વ્યક્તિ જવાબદાર છે. એક છે સુદર્શન વાળા અને યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર. કેમકે વાળા છે તે અવારનવાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવવા માટે ખોટી ફરિયાદો કરે છે. વિદ્યાર્થીઓ સાથે ગેર વર્તણૂક કરે છે. અને જ્યારે યુનિવર્સીટીના સત્તાધીશો અમારી વાત સાંભળવા નથી આવતા એમને અંદર જ બેસવું પસંદ છે. ત્યારે NSUI દ્વારા હેડ ઓફિસને તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કર્યું છે.

એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલના વિદ્યાર્થીઓની મેસની ફી મુદ્દે આંદોલનમાં વીસીના બંગલે કરાયેલા વિરોધમાં 200 વિદ્યાર્થીના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કરી રૂ.2000નું નુકસાન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરાતા વીસીની શાન ઠેકાણે લાવવા વિદ્યાર્થી સંગઠન AGSU દ્વારા ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પાસેથી એક એક રૂપિયો ઉઘરાવી નુકસાનીની ભરપાઈ કરવા યુનિવર્સીટીની હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા. સોમવારે વિદ્યાર્થી અગ્રણી પંકજ જયસ્વાલ અને વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓ પાસેથી એક એક રૂપિયો ઉઘરાવ્યો હતો અને રૂપિયા 2 હજાર એકટ કર્યા હતા. ત્યારે મંગળવારે અગાઉ વીસીને તેમના બંગલામાં થયેલા નુકસાની ભરપાઈ કરવા માટે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે તે રૂપિયાની ચુકવણી કરવા માટે પહોંચ્યા હતા, સાથે જ આ નુકસાનીની ભરપાઈ કર્યા બાદ વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલો કેસ પરત ખેંચવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી અને જો કેસ પરત લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જોકે વિદ્યાર્થીઓને નહીં મળવા માટે ટેવાયેલા વામન વીસી ફરી એક વખત નહીં મળતા વિદ્યાર્થીઓ દ્વારા ચિલ્લર ભરેલો ડબ્બો ગેટ પર જ બાંધી દેવામાં આવ્યો હતો.

યુનિવર્સિટીના AGSUના પૂર્વ UGS રાકેશ પંજાબીએ જણાવ્યું હતું કે, અહંકારી વીસી દ્વારા જે રીતે વિદ્યાર્થીઓ પર દમન કરવામાં આવી રહ્યું છે. ક્યારે પણ યુનિવર્સિટી કઈ ખોટું કરતું હોય છે, કોઈ નવો કાયદો લાવતી હોય અને વિદ્યાર્થીઓને લાગે કે આ ખોટું થઈ રહ્યું છે તો તેનો વિરોધ અવશ્ય વિદ્યાર્થીઓ કરતા હોય છે. ભૂતકાળમાં પણ આના કરતાં મોટા મોટા વિરોધ પ્રદર્શન અમે કર્યા છે. પણ ક્યારેય પણ વીસી દ્વારા આ પ્રકારની હેરાનગતિ વિદ્યાર્થીઓને કરવામાં નથી આવી. જે તદ્દન ખોટું છે. 200 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે વીસીએ ચેડાં કર્યા છે. આજે જ્યારે 2 હજાર રૂપિયા વિદ્યાર્થીઓ પાસેથી એક એક રૂપિયા પેટે ઉઘરાવીને એ નુકસાનીની ભરપાઈ કરવા માટે અહીં આવ્યા. ત્યારે કોઈ તેને સ્વીકારવા તૈયાર નથી અને આ મામલે પીઆરઓ કહે છે કે મેં એફઆરઆઇ કરી નથી. એ મને ખબર જ નથી. અને વિજિલન્સ ઓફિસર વાળા જેણે એફઆરઆઈ કરી છે એ બોલવા તૈયાર નથી. એટલે જો આ પ્રકારનું તંત્ર રહ્યું તો યુનિવર્સિટી ક્યાં જઈને અટકશે એ ખબર નથી પડી રહી. અને જલ્દીમાં જલ્દી આ જે વિદ્યાર્થીઓ પર એફઆરઆઈ કરવામાં આવી છે એ પરત ખેંચવામાં આવે એવી અમારી માંગણી છે.

Most Popular

To Top