ભારદારી વાહનો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હોવા છતાં નિયમોના ઉડી રહ્યા છે લીરેલીરા :
ક્રેઈનની મદદથી ટ્રકને સીધી કરી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો :
વડોદરા શહેરમાં ભારદારી વાહનો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. છતાં પણ માતેલા સાંઢની ગતિએ ભારદારી વાહનો દોડી રહ્યા છે. ત્યારે સેવાસી રોડ પર વહેલી સવારે સ્ટેયરિંગ લોક થઈ જતા રેતી ભરેલી ટ્રક પલ્ટી ગઈ હતી. ટ્રકને ક્રેનની મદદથી સીધી કરી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.
વડોદરા શહેરમાં ભારદારી વાહનો બેફામ બન્યા છે. ટ્રાફિક પોલીસની નબળી નીતિને કારણે હાલમાં પણ શહેરમાં ભારદારી વાહનો પુર ઝડપે દોડી રહ્યા છે. તાજેતરમાં ડમ્પરની અડફેટે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. આવી ઘટનાઓ બાદ પણ તંત્ર ભર નિંદ્રા માણી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. શુક્રવારે વહેલી સવારે શહેરના સેવાસી ખાતે મોટી હોનારત થતા અટકી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એક રેતી ભરેલ ટ્રક સેવાસી રોડ પરથી પસાર થઈ રહી હતી. દરમિયાન રામા એમ્પિરિયા સેવાસી સ્કૂલ પાસે આ ટ્રકનું સ્ટેયરિંગ લોક થઈ જતા પલ્ટી ખાઈ ગઈ હતી. અને રોડ વચ્ચે ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેના કારણે ડિવાઈડર પણ તૂટી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ક્રેનની મદદથી ટ્રકને સીધી કરી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.