કાદવ-કીચડથી રસ્તા બંધ! તરસાલી-માણેજા વિસ્તારમાં 15 દિવસથી લિકેજ, કોન્ટ્રાક્ટરે માત્ર વેઠ ઉતારી; સરદાર પટેલ જયંતિની યાત્રાના રૂટ પર જળબંબાકાર




વડોદરા શહેરમાં એક તરફ નાગરિકો પીવાના પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ વોર્ડ નંબર 19માં પાણીની પાઈપલાઈનમાં ભંગાણને કારણે હજારો લિટર પીવાનું પાણી ગટરોમાં વહી જતાં ભારે વેડફાટ થઈ રહ્યો છે. આ ઘટના વડોદરા મહાનગરપાલિકા અને તેના કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
વોર્ડ નંબર 19ના તરસાલીથી માણેજા વિસ્તારની સર્વોદય સોસાયટી, વ્રજધામ સોસાયટી સહિત અનેક સોસાયટીઓની આસપાસ પીવાના પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ સર્જાયું હતું. જેના પરિણામે હજારો લિટર શુદ્ધ પાણી ગટરોમાં વહી ગયું હતું.
ખાસ કરીને જે જગ્યાએ આ ભંગાણ થયું, તે જ વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે નીકળનારી યાત્રા પસાર થવાની છે. પાણીનો સતત પ્રવાહ ચાલુ રહેતા આખા રોડ પર પાણી પ્રસરી ગયું હતું અને રસ્તા પર કાદવ-કીચડ થઈ જતાં વાતાવરણ બગડ્યું હતું.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં પાણીની લાઈનમાં લિકેજની સમસ્યા છેલ્લા 15 દિવસથી ચાલી રહી હતી. આ અંગે સ્થાનિક લોકોએ વડોદરા મહાનગરપાલિકા અને વિસ્તારના કાઉન્સિલરોને અનેક વાર ફરિયાદો કરી હોવા છતાં, તંત્ર દ્વારા સમસ્યાનો તત્કાલ ઉકેલ લાવવામાં આવ્યો નહોતો.
આખરે, 15 દિવસ બાદ VMC દ્વારા લિકેજ બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે પણ માત્ર વેઠ ઉતારવા પૂરતી જ હોય તેવું સ્પષ્ટ દેખાય છે.
VMC દ્વારા જેને રીપેરિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, તે કોન્ટ્રાક્ટરની અધૂરી અને હલકી કામગીરીના કારણે પીવાના પાણીની લાઈન સંપૂર્ણ રીતે રીપેર થઈ શકી નહોતી. પરિણામે લિકેજ યથાવત રહ્યું અને પાણીનો વેડફાટ ચાલુ રહ્યો.
આ ભંગાણ એટલું મોટું હતું કે આખા રસ્તા પર પાણી વહી ગયેલું, એક તરફ શહેરના નાગરિકો પાણી માટે વલખાં મારે છે અને બીજી તરફ આ રીતે શુદ્ધ પાણીનો થતો વેડફાટ અને VMCની બેદરકારી તંત્રના સંચાલન પર ગંભીર સવાલો ઊભા કરે છે. સ્થાનિકોએ આ મામલે સત્વરે કાયમી ઉકેલ લાવવાની માગ કરી છે.