વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી શાળામાં અભ્યાસ માટે જતી 15 વર્ષની સગીરાને રસ્તામાં રોકી પોતાની સાથે ફ્રેન્ડશીપ રાખવા માટે રોડ રોમિયો હેરાન પરેશાન કરતો હતો. સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતી કરનાર વડસર રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં રોડ રોમિયો કેટલી હદે છાકટા બની ગયા છે કે તેમને પોલીસનો જાણે ડર જ રહ્યો ન હોય તેમ જાહેર માર્ગ પર જઈ રહેલી યુવતીઓ અને સગીરાઓ છેડતી કરવામાં આવતી હોવાના અનેક કિસ્સા પોલીસ ચોપડે નોંધાયેલા છે. ત્યારે વધુ એક કિસ્સો માંજલપુર વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં એવી વિગત છે કે વડસર રોડ પર આવેલા તુલસી ટાઉનશિપમાં રહેતા રોહિતસિંહ મહેન્દ્રસિંહ રાજ ( ઉં.વ 24) 15 વર્ષની સગીર યુવતીને એક તરફી પ્રેમ કરતો હોય વારંવાર પોતાના પ્રેમ જાળમાં ફસાવવા માટે પ્રયત્ન કરતો રહેતો હતો. જ્યારે સગીરા પોતાના ઘરેથી અલકાપુરી વિસ્તારમાં આવેલી એકેડેમીમાં અભ્યાસ કરવા માટે જવા માટે નીકળતી હતી ત્યારે રોહિત રાજ તેનો પીછો કરતો હતો. ત્યારબાદ તેને રસ્તામાં અલગ અલગ જગ્યા પર ઊભી રખાવીને પોતાની સાથે ફ્રેંડશીપ રાખવા માટે દબાણ કરતો હતો. એક તરફી પ્રેમમાં પાગલ યુવક છેલ્લા ઘણા સમયથી આવી રીતે સગીર યુવતી સ્કૂલે જવા નીકળે ત્યારે તેને રોકીને હેરાન પરેશાન કરતો રહેતો હતો. કંટાળી ગયેલી સગીરાએ અંતે રોહિત રાજ દ્વારા વારંવાર રસ્તામાં રોકી તેની સાથે ફ્રેન્ડશીપ કરવા માટે ટોર્ચર કરતો હોવાની જાણ તેના પિતાને કરી હતી. જેથી પિતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં રોહિત રાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે પોકસો હેઠળ ગુનો નોંધીને રોહિત રાજની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.