ફતેગંજ બ્રિજ પર એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારને નુકસાન*
(પ્રતિનિધિ) વડોદરા તા.28
શહેર જિલ્લાના બે અલગ અલગ અકસ્માતના બનાવોમાં એક આધેડનું તથા એક વૃધ્ધનું મોત નીપજયું હતું. જેમાં શહેરના સુશેન તરસાલી રોડ પર ચર્ચમાં સાયકલ લઈને જતા વયોવૃદ્ધ ને રિક્ષા ચાલકે અડફેટે લેતાં તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે અન્ય બનાવમાં વાઘોડિયારોડ ખાતે ચાલતા જતા અજાણ્યા આધેડને મોટરસાયકલ ચાલકે અડફેટે લેતાં તેમનું એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર દરમિયાન ગતરોજ મોત નિપજ્યું હતું. બંને ઘટનાઓમાં પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના ફતેગંજ બ્રિજ પર એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જો કે સદનસીબે કોઇ જાનહાનિ કે ઇજા થઇ ન હતી પરંતુ અકસ્માત ને પગલે કારને થોડું નુકસાન થયું હતું જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો.
શહેરના તરસાલી રોડ ખાતે સવારે પોણા અગિયાર ના સુમારે શહેરના સુશેન તરસાલી રોડ પર આવેલા આનંદબાગ સોસાયટીમાં પુત્ર સાથે નિવૃત્ત જીવન ગાળતા આશરે 75 વર્ષીય જોસેફ વર્ગીસ સાયકલ પોતાની સાયકલ લઈને ચર્ચમા જતાં હતાં તે દરમિયાન સાયકલ સવાર વૃદ્ધ ને ઓટો રિક્ષા ચાલકે અડફેટે લેતાં તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવાની તથા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરમાં રફ્તારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે શનિવારે સવારે પોણા અગિયાર વાગ્યાની આસપાસ શહેરના તરસાલી રોડ ખાતે એક સાયકલ સવાર આશરે 75 વર્ષીય નિવૃત્ત જીવન ગાળતા વૃદ્ધ જોસેફ વર્ગીસ ચર્ચમા જવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતાં અને લગભગ રોડ ક્રોસ કરી ચૂક્યા હતા તે દરમિયાન પૂરઝડપે આવેલી ઓટોરીક્ષા જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-એ ડબલ્યુ -9721ના ચાલકે સાયકલ ચાલકને અડફેટે લેતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓના મ્હોંમાંથી લોહી નિકળી જતા તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અકસ્માત સર્જી રીક્ષા ચાલક તથા ચાર પેસેન્જર ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવાની તજવીજ હાથ ધરી સાથે જ અકસ્માતનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
*વાઘોડિયારોડ ખાતે તા.26 જૂનના રોજ રાત્રે ચાલતા જતાં આધેડને બાઇક ચાલકે અડફેટે લેતાં ઇજાગ્રસ્ત નું સારવાર દરમિયાન મોત*
ગત તા.26-06-2025 ના રોજ રાત્રે પોણા નવ વાગ્યાની આસપાસ ઇન્ડચ કંપનીના મેઇન ગેટ પાસે રોડ ક્રોસ કરીને ચાલતા જતા હતા તે દરમિયાન રાત્રીના અંધકાર સમયે એક હોન્ડા સાઇન મોટરસાયકલ જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે 06-એસ સી -9702 ના ચાલકે ગફલતભરી રીતે બેફિકરાઈથી પૂરઝડપે મોટરસાયકલ ચલાવી અજાણ્યા 50 વર્ષીય આધેડને અડફેટે લેતાં આધેડને ડાબા પગે અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી આસપાસના લોકોએ દોડી આવી ઇજાગ્રસ્ત અજાણ્યા આધેડને એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગત તા. 27-06-2025 ના રોજ 7 વાગ્યે તેઓનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે વાઘોડિયા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડી અજાણ્યા મૃતકના વાલી વારસાની તપાસ માટે 5 દિવસ એસ.એસ.જી.હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મૂકાવવાની તજવીજ હાથ ધરી છે.
*શહેરના ફતેગંજ બ્રિજ પર એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ*
શહેરના ફતેગંજ બ્રિજ પર સવારે સાડા દસ વાગ્યાની આસપાસ વડોદરા ઇડર જતી ગુજરાત એસ.ટી.બસે આગળ જતી ફોર વ્હીલર કારને પાછળ થી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો જેમાં કારને પાછળના ભાગે થોડું નુકસાન થયું હતું.અકસ્માતમા સદનસીબે કોઇને જાનહાનિ કે ઇજા પહોંચી ન હતી.અકસ્માતને પગલે ફતેગંજ બ્રિજ પર વરસાદમાં ટ્રાફિક જામ સર્જાયો હતો જેના પગલે ટ્રાફિક પોલીસે દોડી આવી અકસ્માત થયેલી ફોર વ્હીલર અને બસને બ્રિજ નીચે સાઈડમાં કરાવી બ્રિજ પરનો ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.અકસ્માતને પગલે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.