તસ્કરો તાળુ તોડી અંદર ઘુસ્યા અને 1.62 લાખની મતાની સાફસુફી કરી ફરાર
મકરપુરા તથા માંજલપુર પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી
(પ્રતિનિધિ ) વડોદરા તા.7
વડોદરા શહેરમાં ઘરફોડ સહિતની ચોરીના બનાવ સતત વધી રહ્યા છે. પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરાઇ હોવા છતાં ચોરીની ઘટના ઘટવાનું નામ લેતી નથી. દરમિયાન માંજલપુર દરબાર ચોકડી પાસેની સોસાયટીમાંથી 1.20 લાખની મતા તથા વોડાફોન આડિયાના સ્ટોરના લોકર અને રોકડ સાથે રૂ. 32 હજાર મળી 1.62 લાખની મતાની ચોરી તસ્કરો પલાયન થઇ ગયા હતા. બંને બનાવમાં પોલીસે તસ્કરો સામે ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના માંજલપુર વિસ્તારમાં ત્રિભુવનધામ સોસાયટીમાં રહેતા ચંદ્રકાંત મગનભાઇ અમીન (ઉં.વ.68) કોયલી રિફાઇનરીમાંથી નિવૃત જીવન ગુજારે છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત 29 માર્ચના રોજ મારા પુત્રની પત્ની પહેલા માળ પર ઉંઘતી હતી. જ્યારે મે તથા મારી પત્ની વર્ષનાબેન સવારે પોણા છ વાગ્યાના અરસામાં મકાનના ગ્રિલ દરવાજાના તાળુ મારીને ચાલાવ માટે દરબાર ચોકડી તરફ ગયા હતા. અમે ચાલીને પરત આવ્યા હતા ત્યારે તેમના મકાનના દરવાજાને મારેલુ તાળુ તોડી નાખેલી હાલતમાં હતું. જ્યારે જાળીના દરવાજાનો નકુચો તુટેલો તથા દરવાજા ખુલ્લા હતા. જેથી બેડરૂમમાં મુકેલી તિજોર ચેક કરતા ખુલ્લી તેમા મુકેલો સામાન વેરવિખેર કરેલો હતો અને ડ્રોવરમાં મુકેલા સોનાની બે નંગ બંગડી રુ. 60 હજાર, સોનાની લગડી 50 હજાર, રોકડા 10 હજાર મળી 1.20 લાખના માલમતાની ચોરી થઇ હોવાનું માલૂમ પડ્યું હતું. માંજલપુર પોલીસે વૃદ્ધની ફરીયાદના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં અટલાદરા સનફાર્મા રોડ પર આવેલી નારાયણ ઓરામાં રહેતા આલોકભાઇ વિપુલભાઇ મહેતા પ્રતાપનગર ઓએનજીસી રોડ પર વોડાફોન આડિયાના સ્ટોરમાં આઠ વર્ષથી નોકરી કરે છે. 27 માર્ચના રોજ રાબેતા મુજબ સ્ટોર સાંજના સાતેક વાગે બંધ કરી સ્ટાફ ગયો હતો. તે દરમિયાન તસ્કરો સ્ટોરનું તાળુ તોડી અંદર ઘુસ્યા હતા અને ગોદરેજ કંપનીનું લોકર તથા હિસાબના મુકેલા રોકડા 20 હજાર મળી 32 હજારની ચોરી કરી પલાયન થઇ ગચા હતા અને ટેબલ તથા કબાટના ડ્રોવરને 4 હજારનું પણ નુક્સાન પહોંચાડ્યું હતું.