Vadodara

વડોદરા : વહેલી સવારે જ્યુબિલીબાગ વિસ્તારમાં ફાયરબ્રિગેડના વાહનોથી લોકોમાં અચરજ

પેપર વિતરકની સતર્કતાના કારણે મોટી થવાવાળી નુકસાનીની ઘટના ટળી :

ઓટો મોબાઈલની દુકાનમાં ઓવર હિટિંગના કારણે આગ ભભૂકી ઉઠી :

( પ્રતિનિધિ ) વડોદરા,તા.20

વડોદરાના જ્યુબિલીબાગ બહાર આવેલ દુકાનો પૈકી એક ઓટો મોબાઈલની દુકાનમાં વહેલી સવારે આશરે 5:00 કલાકેની આસપાસ આકસ્મિક આગ લાગતા ફાયર બ્રિગેડના જવાનો ફાયર વાહનો સાથે તાબડતોડ સ્થળ પર પહોંચ્યા હતા. અને આગ પર કાબુ મેળવવા કામગીરી હાથધરી હતી.

વડોદરા શહેરમાં વર્ષ 2024 ના શરૂઆતથી જ આગજનીના બનાવવાનો સિલસિલો આજે પણ યથાવત રહેવા પામ્યો છે. શનિવારે વહેલી સવારે કાલુપુરા વિસ્તારમાં રહેતા વિવેક ભાઈએ ફાયર બ્રિગેડ ના કંટ્રોલરૂમ ઉપર ફોન કરી માહિતી આપી હતી કે જ્યુબિલીબાગ બહાર આવેલી ઓટો મોબાઇલની દુકાનમાં થી ધુમાડા નીકળી રહ્યા છે. જે માહિતી મળતાની સાથે જ દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જવાનો ફાયરના બે વાહનો સાથે તુરંત દોડી ગયા હતા. તપાસ કરતા ઓટો મોબાઈલની દુકાનમાંથી ધુમાડા નીકળતા નજરે પડ્યા હતા. ફરી ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા જ્યારે આગની આ ઘટનામાં દુકાનમાં રાખેલ હેલ્મેટ સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો.

પ્રાથમિક તબક્કે દુકાનમાં ઓવર હીટિંગને કારણે વાયરીંગમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું હતું. દાંડિયા બજાર ફાયર સ્ટેશનના રવિન્દ્રભાઈ કદમે માહિતી આપતા જણાવ્યું હતું કે સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ ઉપર વહેલી સવારે વર્ધી મળી હતી કે, જ્યુબિલી બાગ કોર્પોરેશનના જૂના દવાખાના બહાર આવેલી અશ્વિન ઓટો એસેસરીઝ નામની દુકાનમાંથી ધુમાડા નીકળી રહ્યા છે. જેથી અમે દાંડિયા બજાર ફાયર સ્ટેશનમાંથી બે ફાયરના વાહનો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. અને આગને સંપૂર્ણપણે કાબુમાં લીધી હતી. જોકે દુકાનમાં મુકેલો હેલ્મેટ સહિતના સામાનને નુકસાન થયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Most Popular

To Top