વડોદરા,16
વડોદરા વકીલ મંડળની 19 ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીને લઈ ઉમેદવારો તથા મતદારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિતના વિવિધ પદો માટે કુલ 37 ઉમેદવારોએ પોતાના ફોર્મ સંપૂર્ણપણે ભરી ચૂંટણી લડવા ઉમેદવારી નોંધાવી છે.
આધુનિક ટેક્નોલોજી સાથે યોજાનારી આ ચૂંટણીમાં પ્રથમ વખત 4525 મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવાના છે. ચૂંટણીને હવે માત્ર બે દિવસ બાકી રહેતા કોર્ટ સંકુલમાં વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ ચૂંટણી નવા એડવોકેટ હાઉસમાં યોજાનારી હોવાથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. કોર્ટ સંકુલના પરિસરમાં ચૂંટણી માટે તંબુઓ બાંધવામાં આવ્યા છે તેમજ ટેબલ અને અન્ય સુવિધાઓ પણ ગોઠવી દેવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા મતદાન માટેની તમામ માળખાકીય સુવિધાઓને અંતિમ મંજૂરી આપવામાં આવી રહી છે.
એડવોકેટ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ વખતની વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં 4525 મતદારો નોંધાયેલા હોવાથી આ ચૂંટણી ઐતિહાસિક બનવાની છે. તેમણે ઉમેર્યું હતું કે આ ચૂંટણીમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સિનિયર એડવોકેટો માટે ખાસ સુવિધાઓ કરવામાં આવી છે. ઉપરાંત વધુમાં વધુ મતદારો મતદાન કરવા માટે બુથ પર આવે તે માટે અલગથી વેટિંગ લોજ તૈયાર કરવામાં આવશે. દરેક મતદારો મતદાનની પ્રક્રિયા જોઈ શકે તેવી વ્યવસ્થા પણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.