પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની 9 ગેમ ઝોનના સંચાલકો સાથે મીટીંગ, ગેમ રમાડવા બાબતે સુરક્ષા રાખવા કડક સૂચનાઓ અપાઈ
વડોદરાના લાલબાગ બ્રિજ પાસે આવેલા રોયલ મેળામા હેલિકોપ્ટર રાઇડની સ્પીડ વધી જતા રાઈડના દરવાજો ખુલી ગયા હતા. જેમાં ત્રણથી ચાર બાળકોને ઇજાઓ પહોંચી હતી પરંતુ મોટી દુર્ઘટના ટળી હતી. ત્યારે રોયલ મેળાની આ દર્ઘટના બાદ વડોદરા શહેર પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને પોલીસ કમિશનરે આજે ચાર જાન્યુઆરીના રોજ શહેરમાં ચાલતા 9 ગેમ ઝોનના સંચાલકો સાથે મીટીંગ યોજી હતી અને તમામ સંચાલકોને ગેમ ઝોનમાં સુરક્ષા રાખવા બાબતે સૂચનાઓ પણ આપવામાં આવી હતી. વડોદરા શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં વડોદરા શહેરમાં કમિશનર કચેરી દ્વારા જે ગેમ ઝોનને એમ્યુઝમેન્ટ રાઇડના સંચાલન માટે લાયસન્સ આપવામાં આવેલ છે તેવા 9 ગેમ ઝોન સંચાલકોની મિટિંગ કરવામાં આવી છે. આ મિટિંગમાં તમામ ગેમ ઝોનના સંચાલકો હાજર રહ્યા હતા. આ મિટિંગમાં સીટી રાઈડ સેફ્ટી અને ઈન્સ્પેક્શન કમિટિના અધ્યક્ષ અને અધિક પોલીસ કમિશનર, તપાસ કમિટિના અન્ય સભ્યો નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક પોલીસ, કાર્યપાલક યાંત્રિક વિભાગ, સિવિલ વિભાગ, ઈલેક્ટ્રીકલ ઈન્સ્પેક્ટર, ફાયર ઓફિસર, મદદનીશ પોલીસ કમિશનર, વિશેષ શાખા, આમંત્રિત સભ્ય એમએસ યુનિવર્સિટી, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ વિભાગ પ્રોફેસર પણ ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ કમિશનરે તમામ ગેમ ઝોન સંચાલકોને ગેમ ઝોન સંચાલન માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ ધ એમ્યુઝમેન્ટ રાઇડ એન્ડ ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ રૂલ્સ 2024ની તમામ જોગવાઈઓ અને નિયમોનું પાલન કરવા માટેની સમજ આપી હતી. નાગરિકોની સલામતિ અને સુરક્ષા રહે તેના માટે સુનિશ્ચિત કરી નિયમ પ્રમાણે સંચાલન કરવા માટે તમામ ગેમ ઝોન સંચાલકોને સૂચના આપવામાં આવી હતી.