પ્રતિનિધિ વડોદરા તા.30
રેલવે સ્ટેશન પર અલગ અલગ ટ્રેનો આવન જાવન કરતી રહેતી હોય છે. ત્યારે કેટલીકવાર આરોપીઓ નશાયુક્ત પદાર્થની હેરાફેરી ટ્રેન દ્વારા કરે છે. 31 ડિસેમ્બર દરમિયાન પણ ટ્રેનમાં કોઇ નશાયુક્ત પદાર્થ કે શંકાશીલ વસ્તુ શહેરમાં ઘુસાડવામાં ના આવે . તે માટે રેલવે પોલીસ, એસઓજી, ક્યુઆરટી, ડોગ અને બોમ્બ સ્કોડ દ્વારા રેલવે સ્ટેશન પર સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતુ.
31 ડિસેમ્બરની ઉજવણી ભાગરૂપ શહેર પોલીસ સહિતના જિલ્લા અને રેલવે પોલીસ પણ એક્શનમાં આવી ગઇ છે. કેટલાક અસામાજિક તત્વો તથા આરોપીઓ ટ્રેનોમાં નશાયુક્ત પદાર્થની હેરાફેરી કરતા હોય છે. બીજી તરફ તહેવાર ટાણે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે રેલવે પોલીસ દ્વારા રેલવે સ્ટેશન, પાર્સલ, પાર્કિંગ, મુસાફરખાના સહિતના વિસ્તારોમાં એસઓજી, રેલવે પોલીસ, ક્યુઆરટી તથા ડોગ અને બોમ્બ સ્કોડ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતુ. પોલીસ દ્વારા એકાએક કરવામાં આવેલા ચેકિંગના કારણે મુસાફરોમાં એક તબક્કે ભયનો માહોલ ફેલાયો હતો. શંકાસ્પદ મુસાફરના સામાનને પણ પોલીસે ચેક કર્યા હતા. પરંતુ કોઇ નશાયુક્ત પદાર્થ કે વસ્તુ પોલીસને નહી મળી આવતા રાહતનો શ્વાસ લીધો હતો.