માર માર્યા બાદ વ્યાજ તો આપવુ પડશે તેમ કહી મારી નાખવાની ધમકી પણ આપી, તાંદલજાના યુવકે વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી
પ્રતિનિધિ વડોદરા તા.15
તાંદલજા વિસ્તારમાં રહેતા યુવકને વ્યાજે આપેલા રૂપિયા 1.53 લાખ સામે રૂ. 3 લાખ વસૂલ કર્યા હોવા છતાં વધુ વ્યાજની માગણી કરી વ્યાજખોરો ધમકી આપતા હતા. ત્યારબાદ યુવકને વ્યાજ તો આપવુ જ પડશે તેમ કહીને માર માર્યો હતો અને આજે તો તુ બચી ગયો હવે મળીશ તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. જેથી યુવકે જે પી રોડ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડી પાસે રિઝવાન ફ્લેટમાં રહેતા એજાજ મુબારકભાઇ પટેલને માજીદ ઉર્ફે ચકલી મહેબુબ સૈયદ તથા અન્ય બે શખ્સોએ ગત એપ્રિલ મહિનામાં રૂ. 1.53 લાખ વ્યાજે આપ્યાં હતા. જેના બદલામાં આરોપીએ તેમની પાસેથી વ્યાજ અને મુડી સહિત રૂ.3 લાખ વસૂલ કરી લીધી હતા. ઉપરાંત રૂ. 74 હજાર વ્યાજ પેટે વસૂલ કર્યા હતા. પરંતુ હાલમાં એજાજ પટેલની આર્થિક પરિસ્થિત સારી ન હોય રૂપિયા આપવાનું બંધ કરી દીધું હતું. જેથી વ્યાજખોર ત્રણ જણાએ તેમની પાસે વ્યાજની ઉઘરાણી કરતા હતા. ઉપરાંત કિસ્મત ચોકડી પાસે મેઘનમ કોમ્પલેક્ષ ખાતે સાંજના સમયે માજીદ તથા અન્ય બે શખ્સો તેમને ગાળો આપી ઝપાઝપી પણ કરવા લાગ્યા હતા અને વ્યાજ તો તારે આપવુ જ પડશે તેમ કહી માર માર્યો હતો. દરમિયાન લોકો ભેગા થઇ જતા વ્યાજખોરો ત્યાંથ જતા રહ્યા હતા. તેઓએ જતા જતા આજે તે બચી ગયો પરંતુ હવે મળીશ તો તને જાનથી મારી નાખશી તેવી ધમકી પણ આપી હતી. જેથી એજાજ પટેલ દ્વારા જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ત્રણ વ્યાજખોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.