આઇપીએલની મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચાલતી મેચ પર ઓનલાઇન સટ્ટો રમતો હતો
ક્રાઇમ બ્રાન્ચે ડભોઇ વાઘોડિયા રિંગ પર આવેલી સોસાયટીમાંથી દબોચ્યો, મુંબઇના બુકીને વોન્ટેડ જાહેર કરાયો
વડોદરા તા. 12
મુંબઇના બુકી પાસેથી ઓનલાઇન આડી મેળવીને મુંબઇ ઇન્ડિયન્સ તથા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા સટોડિયાને ક્રાઇમ બ્રાન્ચ ડભોઇ વાઘોડિયા રિંગ રોડ પરથી ઝડપી પાડ્યો હતો. જ્યારે આઇડી આપનાર મુંબઇના બુકીને વોન્ટેડ જાહેર કરાયો છે.
હાલમાં આઇપીએલ ચાલી રહી છે જેથી વડોદરા શહેર સહિત સમગ્ર દેશમાં સટોડિયાઓ દ્વારા કરોડોનો સટ્ટો રોજ રમાઇ રહ્યો છે. બુકીઓ પણ જાણે ગેલમાં આવી ગયા હોય તેમ અલગ અલગ આઇડી દ્વારા સટ્ટો રમાડી રહ્યા છે. ત્યારે 11 એપ્રિલના રોજ પેટ્રોલિંગમાં ફરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મળી હતી કે ડભોઇ વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તા પાસે આવેલી પ્રમુખપાર્ક સોસાયટીના મકાન નંબર 07માં પ્રથમ માળે પ્રથમેશ રાવરાણી આઇપીએલની મુંબઇ ઇન્ડિયન્સ તથા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમવા માટે આઇડી લીધી છે અને હાલમાં સટ્ટો રમે છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મુજબના મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યારે ટીવી પર મુંબઇ ઇન્ડિયન તથા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ વચ્ચે મેચ ચાલી રહી હતી. જ્યારે પ્રથમેશ ટી 20 મેચ પર ક્રિકેટ સટ્ટો રમી રહ્યો હતો. જેથી તેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો અને સ્થળ પરથી ત્રણ મોબાઇલ, ટીવી, સેટઅપ બોક્સ સહિત 13 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રથમેશની પૂછપરછ કરતા તેણે સટ્ટો રમવા માટે મુંબઇ કાંદિવલી ખાતે રહેતા આનંદ નામના શખ્સ પાસેથી આઇડી મેળવી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચે મુંબઇના બુકીને વોન્ટેડ જાહેર કર્યો છે.