ઇન્ડસ્ટ્રીઝની ગંદી દુર્ગંધ અને જાહેરમાં કચરો બળવાથી ફેલાતી ખરાબ હવા અંગે સૌથી વધુ ફરિયાદ
વોર્ડ 11ની બે ફરિયાદોનું હજુ સુધી નિકાલ કરવામાં પાલિકા નિષ્ફળ નીવડી છે
વડોદરા શહેરમાં છેલ્લા છ માસ દરમિયાન હવાની ગુણવત્તા અંગે નાગરિકો તરફથી 130થી વધુ ઑનલાઇન ફરિયાદો વડોદરા મહાનગરપાલિકા સુધી પહોંચી છે. સૌથી વધુ ફરિયાદો ઇન્ડસ્ટ્રીઝમાંથી આવતી ગંદી દુર્ગંધ અને જાહેરમાં કચરો બળવાથી ફેલાતી ખરાબ હવા અંગે કરવામાં આવી છે. માહિતી મુજબ શહેરના અનેક વિસ્તારોમાંથી આ ફરિયાદો નોંધાઈ છે. વોર્ડ 1, 2, 3, 4, 11 અને 19 સહિતના વિસ્તારોમાં ખાસ કરીને ગંદી દુર્ગંધની સમસ્યા વધુ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે વોર્ડ 1 અને 2ની આસપાસ ઉદ્યોગ વિસ્તાર સૌથી વધુ છે, જેના કારણે અહીં દુર્ગંધની સમસ્યા વારંવાર ઉભી થાય છે. તમામ વોર્ડ પૈકી વોર્ડ 10માંથી સૌથી વધુ 14 ફરિયાદો નોંધાઈ છે. વોર્ડ 9માંથી 9 ફરિયાદો મળી છે જ્યારે વોર્ડ 4માંથી 2 ફરિયાદો નોંધાઈ છે. વોર્ડ 11ની બે ફરિયાદોનો નિકાલ હજી સુધી કરવામાં આવ્યો નથી. તે જ રીતે વોર્ડ 4 અને વોર્ડ 5માંથી એક-એક ફરિયાદ હજી નિકાલ વગરની છે, જેમાં કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી. બાકી વિસ્તારોમાં મોટાભાગની ફરિયાદોનું નિરાકરણ લાવાયું હોવાનો પાલિકાનો દાવો છે.
છેલ્લા છ માસમાં સરેરાશ ગણીએ તો દરેક વોર્ડમાંથી 6થી 7 જેટલી ફરિયાદો હવાની ખરાબ ગુણવત્તા અંગે મળી છે. આ ફરિયાદોમાં ગંદી દુર્ગંધ મારતી હવા, કચરો બળવાની ઘટનાઓ અને ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રમાંથી આવતી ધૂમાડાની અસરનો સમાવેશ થાય છે. નાગરિકો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કેટલીક જગ્યાએ જાહેર સ્થળો કે ખુલ્લા મેદાનોમાં કચરો સળગાવવામાં આવે છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખરાબ થાય છે. ઉદ્યોગ વિસ્તારોમાં પણ કેટલીક એકમોમાંથી નીકળતી દુર્ગંધને કારણે રહેવાસીઓને મુશ્કેલી પડે છે. જો કે, મહાનગરપાલિકાએ આ ફરિયાદોના આધારે કેટલો દંડ ફટકાર્યો છે કે કઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે તેની વિગત જાહેર કરી નથી. પરંતુ, આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પાલિકાને પ્રાપ્ત થયેલી ફરિયાદોમાંથી મોટા ભાગના કેસનું નિરાકરણ કરવામાં આવ્યું છે. પર્યાવરણ પ્રદૂષણના મામલે નાગરિકો દ્વારા વારંવાર ફરિયાદો થતાં છતાં હવાની ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો નથી. કેટલાક વિસ્તારોમાં સમસ્યા વારંવાર ફરી ઊભી થાય છે. ઉદ્યોગ વિસ્તારોમાં કડક દેખરેખનો અભાવ, જાહેરમાં કચરો બળાવવા પર નિયંત્રણનો અભાવ અને તંત્ર દ્વારા નિયમિત ચકાસણી ન કરવામાં આવતી હોવાથી નાગરિકોને અસુવિધા થઈ રહી છે.
સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સારું પ્રદર્શન છતાં હવાની ફરિયાદો યથાવત
10 લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં વડોદરા શહેરે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં છેલ્લા બે વર્ષમાં અનુક્રમે 6મો અને 7મો ક્રમાંક મેળવી સારું પ્રદર્શન નોંધાવ્યું છે. છતાં, છેલ્લા છ માસમાં હવાની ગુણવત્તા અંગે નાગરિકોએ 130થી વધુ ઑનલાઇન ફરિયાદો મહાનગરપાલિકા સુધી પહોંચાડી છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી મળેલી ફરિયાદોમાં મુખ્યત્વે ઉદ્યોગ વિસ્તારોની આસપાસથી આવતી ગંદી દુર્ગંધ, કચરો બળાવવાના કારણે ફેલાતી પ્રદૂષિત હવા અને ધૂળકણોની સમસ્યા ઉલ્લેખનીય રહી છે. ખાસ કરીને વોર્ડ નં. 1, 2, અને 19માંથી વધુ ફરિયાદો નોંધાઈ છે. સર્વેક્ષણમાં સારો ક્રમાંક હોવા છતાં શહેરમાં હવાની તકલીફ યથાવત છે.