8 મહિનાનો ₹14 લાખનો પગાર ન મળતા શ્રમિકોએ વિરોધનો અનોખો માર્ગ અપનાવ્યો: VMCની ગાડીઓ લઈને વતનના મધ્યપ્રદેશ પહોંચ્યા; પાલિકાએ કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપી

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે અપાયેલા ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટમાં મોટો વિવાદ સામે આવ્યો છે. પગારની ચુકવણી ન થતાં રોષે ભરાયેલા કોન્ટ્રાક્ટના આદિવાસી કર્મચારીઓ પાલિકાની માલિકીની સાત જેટલી ગાડીઓ લઈને મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લા સુધી પહોંચી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને કારણે શહેરી સ્વચ્છતાની કામગીરી પર પણ સવાલ ઊભા થયા છે અને પાલિકા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, વડોદરા મહાનગર પાલિકાના પશ્ચિમ ઝોનમાં ડોર-ટુ-ડોર સર્વિસનો કોન્ટ્રાક્ટ ઓમ સ્વચ્છતા નામની ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટમાં મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંદલા તાલુકાના કોટડા ગામના આદિવાસી પરિવારોના લોકો કર્મચારી તરીકે કામ કરી રહ્યા છે.
વિગતો અનુસાર, કોન્ટ્રાક્ટર દ્વારા 27 જેટલા કર્મચારીઓને છેલ્લા આઠ મહિનાથી પગાર ચુકવવામાં આવ્યો નથી. ગાડી દીઠ દર મહિને રૂ. 22,500 ચુકવવાનું નક્કી કરાયું હતું, પરંતુ આ 27 શ્રમિકોનો કુલ આશરે રૂ. 14 લાખનો પગાર બાકી છે. પગાર ન મળતા આ કર્મચારીઓ રોષે ભરાયા હતા અને વિરોધ સ્વરૂપે પાલિકાની ગાડીઓ લઈને વડોદરા છોડી દીધું હતું.
પાલિકાની માલિકીની ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની ગાડીઓ મધ્યપ્રદેશના ઝાબુઆ ખાતે હોવાની તસ્વીરો સોશિયલ મીડિયા પર વહેતી થઈ હતી. આ તસ્વીરોની સાથે જ પગાર વિવાદની વિગતો પણ બહાર આવી હતી.
બીજી તરફ, વડોદરા મહાનગર પાલિકાને આ મામલે જાણ થતા તંત્ર હરકતમાં આવ્યું છે. પાલિકાના ધ્યાને આવ્યું છે કે કોન્ટ્રાક્ટની ગાડીઓને ગેરકાયદેસર રીતે વડોદરાથી મધ્યપ્રદેશ લઈ જવામાં આવી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ મામલે પાલિકાના અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ મામલે વડોદરા મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, પશ્ચિમ ઝોનનો કોન્ટ્રાક્ટ ઓમ સ્વચ્છતાને અપાયો છે. તેઓના મતે, કોન્ટ્રાક્ટર દ્વારા કર્મીઓને પગારની ચુકવણી કરવામાં આવી હોવાનું તેમના ધ્યાને આવ્યું છે.
અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ કર્મીઓના ફોરમેને તેઓને ગેરમાર્ગે દોર્યા હોવાનું જણાઈ રહ્યું છે. રૂપિયા ન હોવાનું કહીને મુકદ્દમે પાલિકાની ગાડીઓનો ઉપયોગ મધ્યપ્રદેશ જવા માટે કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.