Vadodara

વડોદરા: મંગળ બજારમાં દબાણ શાખા ત્રાટકી, લારી-ગલ્લાવાળાઓમાં નાસભાગ, 4 ટ્રક સામાન જપ્ત

​પાલિકાનું પેટ્રોલિંગ માત્ર કાગળ પર? કમિશનરની મુલાકાત બાદ તંત્ર હરકતમાં આવ્યું પણ દુકાનોના ‘લટકણીયા’ સામે કાર્યવાહીમાં ફરી વામણું પુરવાર થયું

વડોદરા: શહેરના હાર્ટ સમાન અને હંમેશા ટ્રાફિકથી ઉભરાતા મંગળ બજાર તથા નવા બજાર વિસ્તારમાં ગેરકાયદે દબાણોનો પ્રશ્ન ફરી એકવાર માથાના દુખાવા સમાન બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી તંત્રની ઢીલી નીતિને કારણે ફૂટી નીકળેલા લારી-ગલ્લા અને પથારાવાળાઓ પર ગઈકાલે રાત્રે અને આજે સવારે દબાણ શાખાની ટીમે ઓચિંતી ત્રાટકીને સપાટો બોલાવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન 4 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો, જોકે અચાનક થયેલી કાર્યવાહીને પગલે બજારમાં નાસભાગ મચી ગઈ હતી અને રાહદારીઓમાં ગભરાટ ફેલાયો હતો.
નોંધનીય છે કે, તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરે નવા બજારની ઓચિંતી મુલાકાત લીધી હતી. કમિશનરના કડક આદેશ બાદ તંત્રએ રાતોરાત બુલડોઝરની મદદથી દુકાનોની બહાર કરવામાં આવેલા ગેરકાયદે ઓટલા અને દબાણો જમીનદોસ્ત કરી દીધા હતા. આ કામગીરી બાદ થોડા દિવસો સુધી રસ્તાઓ ખુલ્લા દેખાતા હતા, પરંતુ તંત્રની નિષ્ક્રિયતાનો લાભ ઉઠાવી દબાણકારોએ ફરી જમાવટ કરી દીધી હતી.
મંગળ બજારમાં પાલિકાની ટીમ કાયમી પેટ્રોલિંગ કરતી હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ સ્થાનિક રહીશો અને વાહનચાલકોના મતે આ પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ સીમિત છે. જો ટીમ સતત હાજર હોય, તો ફરીથી દબાણો કેવી રીતે થઈ જાય? તેવો સવાલ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. દુકાનોની બહાર લટકાવવામાં આવતા ‘લટકણીયા’ને કારણે રસ્તાઓ અત્યંત સાંકડા થઈ જાય છે, જેના કારણે વાહનચાલકો માટે અહીંથી પસાર થવું મુશ્કેલ બની જાય છે.
પાલિકા દ્વારા અગાઉ એવી ચીમકી આપવામાં આવી હતી કે જે દુકાનદારો લટકણીયા કે દબાણ કરશે તેમની દુકાનો સીલ કરવામાં આવશે. પરંતુ વાસ્તવિકતામાં તંત્ર આ બાબતે સાવ નિષ્ફળ નીવડ્યું છે. હજુ પણ અનેક દુકાનદારો બેફામ રીતે રસ્તા પર સામાન લટકાવી રહ્યા છે, છતાં તેમની સામે કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી.
બોક્ષ:- મુખ્ય અંશો:
*​સપાટો: મંગળ બજાર અને ચાર દરવાજા વિસ્તારમાં દબાણ શાખાની કડક કાર્યવાહી.
*​જપ્તી: કુલ 4 ટ્રક જેટલો ગેરકાયદે સામાન પાલિકાએ કબજે કર્યો.
*​ટ્રાફિક: દબાણોને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાથી નાગરિકો પરેશાન.
*​સવાલ: શું પાલિકા લટકણીયા રાખતા દુકાનદારો સામે સીલિંગની કાર્યવાહી કરવાની હિંમત બતાવશે?

Most Popular

To Top