સુલતાનપુરાની દુકાનમાં તથા ઘાંઘરેટીયામાંથી કારની ચોરી હોવાની આરોપીની કબુલાત
પ્રતિનિધિ વડોદરા તા.6
વડોદરામાં સેલ્ફ ડ્રાઇવિંગની ઓફિસમાં ખોટા આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના પુરાવા રજુ કરીને 15 દિવસ ભાડે ફેરવવા માટે લીધેલી કાર બારોબાર વગે કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો. તેણે ઘાંઘરેટિયામાંથી કાર અને સુલતાનપુરામાં દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
હરણી પોલીસ સ્ટેશનમાં 26 માર્ચના રોજ સેલ્ફ ડ્રાઇવિંગની ઓફિસમાં નોકરી કરતા કર્મચારીએ ફરિયાદ નોંધાવી કે એક શખ્સ 15 દિવસ માટે સેલ્ફ ડ્રાઇવ માટે કાર આપવા જણાવ્યું હતું. જેના માટે આરોપીએ આધાર પુરાવા તરીકે ડ્રાઇવિંગ લાઇસન્સ, આધારકાર્ડ તથા મોબાઇલ નંબર આપ્યો હતો. ભાડાની કેટલીક રકમ રકમ ચુકવીને કાર લઇ ગયો હતો. જ્યારે બાકીના નાણા બે દિવસ બાદ ચૂકવવા કહ્યું હતું. જેથી બે દિવસ પછી તેને ફોન કરી ભાડાની માગણી કરતા તેણે બે દિવસ બાદ ફોન કરતા બંધ કરી દીધો હતો. જેથી ઠગાઇની ગુનામાં હરણી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની શોધખોળ કરી રહી હતી. દરમિયાન ટેકનિકલ તથા હ્યમન સોર્સિસના આધારે તપાસ કરતા કારની ઠગાઇમાં સાહિલ સાજીદઅલી શેખ (રહે. પ્રતાપનગર)ની સંડોવણી જણાઇ હતી અને અને આરોપીને ક્રાઇમ બ્રાન્ચે માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા કારની ઠગાઇના ગુનામાં સંડોવાયેલો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત ઘરફોડ ચોરીની ગેંગ સાથે મળી ઘાંઘરેટીયામાંથી કારની ચોરી સુલતાનપુરા ખાતેની દુકાનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને હરણી,વાડી અને મકરપુરા પોલીસને સોંપાવની તજવીજ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે આરોપી અગાઉ ત્રણ પ્રોહિબિશન તથા મારામારીના ગુનામાં ઝડપાયો છે.