ક્રિમીનલ બેક ગ્રાઉન્ડ વાળા સાથીઓ, નંબર પ્લેટ વગરની જીપ પછી હવે નવો વિવાદ
ભાજપે વરિષ્ઠ સાંસદ રંજનબેન ભટ્ટની ટિકિટ કાપી નવા નવા નિશાળિયા હેમાંગ જોશીને ટિકિટ તો આપી દીધી, પરંતુ તેઓ રોજ પ્રચારમાં કોઈને કોઈ નવા વિવાદમાં આવી રહ્યા છે. હેમાંગ જોશી હવે કાર્યકરના હાથમાં રજવાડી છત્રી લઈને નીકળતા તેઓ સાંસદ બન્યા પહેલા જ સામંતશાહીનું પ્રદર્શન કરી રહ્યા હોવાની ટીકા થઈ રહી છે.
ભાજપનાં ઉમેદવાર હેમાંગ જોશી કોઈને કોઈ વિવાદમાં આવી રહ્યા છે અથવા તો લાવવામાં આવી રહ્યા છે. આ પહેલા તેઓ કેટલાક ક્રિમીનલ બેકગ્રાઉન્ડવાળા લોકોને લઈને પ્રચારમાં નીકળતા ટીકાપાત્ર બન્યા હતા. ત્યારબાદ તેઓ એક બિલ્ડરની નંબર પ્લેટ વગરની જીપમાં પ્રચાર કરવા નીકળ્યા હતા. પ્રચારની જીપમાં કોણ ચડે તે બાબતે પણ અવારનવાર ચડસા ચડસી જોવા મળે છે. હવે આ યુવા ઉમેદવાર શહેરની ગરમીથી બચવા રજવાડી છત્રી કાર્યકરના હાથમાં પકડાવી પ્રચારમાં નીકળતાં પક્ષમાં જ ટીકાનો ભોગ બન્યા છે.
એક વરિષ્ઠ કાર્યકરે હૈયાવરાળ ઠાલવતા ગુજરાતમિત્રને જણાવ્યું હતુ કે , ભાજપમાં દીનદયાળ ઉપાધ્યાયથી લઈ અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી સુધીના લોકો સરળતા અને સાદગીના દૃષ્ટાંત પૂરા પાડે છે. આ હજુ તો 35 વર્ષ પણ નથી થયા એવા ઉમેદવાર પક્ષમાં પાયાના પથ્થર કહેવાય તેવા કાર્યકરના હાથમાં છત્રી પકડાવી નીકળે તે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. 75 વર્ષની વયે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં આકરી ગરમીમાં પણ પ્રચારમાં નીકળે છે, ત્યારે હજુ તો સાંસદ પણ નથી બન્યા એ પહેલાં હેમાંગ જોશીનું આ વર્તન દુર્ભાગ્યપૂર્ણ છે. પક્ષમાં તેમને સાચી સલાહ આપવાવાળું કોઈ નહિ હોય તેવું તેમના એક પછી એક વિવાદી વર્તન પરથી લાગી રહ્યું છે.
વડોદરા ભાજપના ઉમેદવારનું સામંતશાહીનું પ્રદર્શન, કાર્યકર પાસે રજવાડી છત્રી ઊંચકાવી પ્રચારમાં નીકળ્યા
By
Posted on