કેન્દ્ર અને ગુજરાત સરકારમાં રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં એપ્રેન્ટીસ કરેલ બેરોજગારોની ભરતી કરવાની માંગ સાથે ઉમેદવારો આજે રાજ્યભરમાંથી આવી પહોંચ્યા

( પ્રતિનિધિ )વડોદરા,તા.1
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં એપ્રેન્ટીસ કરેલ બેરોજગારોની ભરતી કરવા માટે આજે ગુજરાત ભરમાંથી ઉમેદવારોએ વડોદરા રેસકોર્સ વિદ્યુત ભુવન બહાર ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો છે. અને જ્યાં સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ માં એપ્રેન્ટિસ કરેલા બેરોજગારોની ભરતી પ્રક્રિયા નહીં થતા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આજ દિન સુધી તેમની રજૂઆત ધ્યાને નહીં લેવાતા આજે ફરી એક વખત રાજ્યભરમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી ઉમેદવારો વડોદરા ની રેસકોસ વિદ્યુત ભુવન ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓ ધરણા પ્રદર્શન કર્યું હતું. એપ્રેન્ટિસ વર્કરે જણાવ્યું હતું કે 1200 ઉપરાંત જગ્યાઓ ખાલી છે અને કોન્ટ્રાકટ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. અમને સૌને કાયમી ભરતી કરીને સૌને બેરોજગારી દૂર કરે, સૌને નોકરી આપે અને પરિવારને ન્યાય આપે અને સર્વે ગુજરાતના દરેક જિલ્લામાંથી દરેક તાલુકામાંથી સૌ ઉમેદવારો આવેલા છે. બધા જ ભૂતપૂર્વ એપ્રેન્ટીસ છે. બધાએ એક બે વર્ષ એપ્રેન્ટીસ ટ્રેનિંગ પૂર્ણ કરેલી છે. બધા ફોર્મ ભરેલા જૂન 2022માં, જે બાદ સરકાર કોઈ જવાબ આપતી નથી. માત્ર ઠાલા વચનો આપે છે. જે બાબત શરમજનક કહેવાય. જ્યારે આજે પીએમ મોદી જેવા માણસ વડાપ્રધાન પદ ઉપર બેઠા છે અને આજે ગુજરાતના યુવાનો જે બેરોજગાર છે તેમને રોડ ઉપર બેસવું પડે છે. જે શરમ જનક બાબત કહેવાય ગુજરાત સરકાર માટે. સ્ટેજ ઉપરથી માત્ર અને માત્ર હવે મોટા મોટા વચનો અને વાયદા આપે છે. વંચિતોનો વિકાસ કરીશું, નોકરી કરીશું, પણ ક્યારે ? આ બધું હકીકત ક્યારે સાબિત થશે. જ્યારે અન્ય એક ઉમેદવારે જણાવ્યું હતું કે, અમારી માંગ એક જ છે કે, અમારી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો. સરકાર તરફથી સ્ટાર્ટ અપ ઈન્ડિયાની વાતો કરવામાં આવી રહી છે. ત્યારે અમે અત્યારે કેટલા દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે, છતાં અમારી કોઈ રજૂઆત સાંભળતા નથી. એટલા માટે આ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપર બેઠા છે અને જ્યાં સુધી અમને ન્યાય મળે નહીં ત્યાં સુધી અમે આ જગ્યા ઉપરથી હટવાના નથી. સવારે 9:00 વાગ્યાથી અમે બેઠા છે હજી સુધી કોઈ મળવા આવ્યું નથી. અન્ય એક એપ્રેન્ટિસે જણાવ્યું હતું કે, અમે 2001 માં એપ્રેન્ટિસ કર્યું હતું. પણ અત્યાર સુધી સરકારનો કોઈપણ જવાબ નથી આવ્યો. કારણ કે હવે તો અમારી ઉંમર પણ થવા આવી અને આ લોકો ભરતી કરતા જ નથી. વર્ષ 2022 માં અમે આપ્યું હતું કે તમે લોકો જે તમારી લાયકાતો હોય એ પ્રમાણે તમારી રજૂઆત કરી દો અમારી ઓફિસમાં બધું જમા કરાવી દો તો અમે ભરીને ફોર્મ આપ્યું હતું પણ એનો આજ દિન સુધી જવાબ જ નથી આવ્યો અને ભરતી કરતા જ નથી. પીએમઓ પોર્ટલ ઉપર પણ અમે અમારી અરજી કરેલી છે કે ત્રણ વર્ષથી ભરતી કરવામાં આવી નથી તમે સ્ટેટ ગવર્મેન્ટને કહો કે ભરતી કરે, પણ સરકાર પણ ઊંધો જવાબ આપે છે કે કોઈ સક્ષમ અધિકારી કેસે તો ભરતી કરીશું. 18-6-2022 વિધાનસભાની ચૂંટણી પૂર્વે આ ભરતીની જાહેરાત આપવામાં આવી હતી. ત્રણ વર્ષ સરકારને થઈ ગયા ગુજરાતને પણ ભરતી પ્રક્રિયા પૂર્ણ નથી કરતા. ગાંધીનગર રજૂઆત કરી કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી બધે જ કરી પણ જવાબ ઊંધો આપે છે.
