Vadodara

વડોદરા : બસમાં આગ લાગતા અન્ય બસ પણ લપેટમાં આવી ગઈ

તરસાલી જાંબુઆ હાઈવે પર ગેરેજમાં રીપેરીંગ માટે આવી હતી બસ

વેલ્ડીંગ કરતી વખતે શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી

વડોદરામાં આગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં તરસાલી જાંબુઆ હાઈવે પર ગેરેજમાં રીપેરીંગ માટે આવેલી લકઝરી બસમાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગેરેજમાં રહેલી અન્ય બસ અને એક વૃક્ષ પણ આગની લપેટમાં આવી ગયું હતું. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

ઉનાળાની શરૂઆતે શરૂ થયેલ આગ લાગવાના બનાવોનો સિલસિલો આજે પણ યથાવત રહેવા પામ્યો છે. દિવસે દિવસે મકાન, દુકાન, વાહનો તેમજ કચરામાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક આગ લાગવાની ઘટના બની હતી. હાઈવે પર એક ગેરેજમાં લકઝરી બસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જ્યારે આગની લપેટમાં અન્ય બસ પણ આવી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર તરસાલી જાંબુઆ હાઈવે ઉપર શ્રી બાલાજી મોટર્સ બોડી રીપેર નામનું ગેરેજ આવેલું છે. આ ગેરેજમાં એક ખાનગી લક્ઝરી બસ રીપેરીંગ માટે આવી હતી. લક્ઝરી બસમાં વેલ્ડીંગનું કામ હોવાથી ગેરેજમાં કામ કરતો કર્મચારી બસમાં વેલ્ડીંગ કરી રહ્યો હતો. આ સમય દરમિયાન અચાનક શોર્ટ સર્કિટને કારણે બસમાં આગ લાગી હતી. એકાએક ધુમાડાના ગોટેગોટા નીકળ્યા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા હાજર સૌ કોઈમાં ફફડાટ ફેલાયો હતો. જો કે આગ વધુ પ્રસરતા તેની લપેટમાં બાજુમાં પાર્ક કરેલી અન્ય એક બસ અને લીમડાનું ઝાડ પણ આવી ગયું હતું. બનાવ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો તત્કાલ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો સતત મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગની લપેટમાં બસ બળીને ખાક થઈ ગઈ હતી. આ અંગે ગેરેજના માલિક જગદીશ પ્રસાદે જણાવ્યું હતું કે વેલ્ડીંગ કરતી વખતે શોર્ટ સર્કિટ થયું અને આગ લાગી ગઈ, ગરમીનો માહોલ છે માટે આગ લાગી શકે છે. પાછળના ભાગે આગ લાગી હતી. બસના માલિક આવશે તો માલૂમ પડશે કે કેટલું નુકસાન થયું.

Most Popular

To Top