Vadodara

વડોદરા બનશે હવે વધુ સુરક્ષિત: ‘ફાયર પ્રિવેન્શન વિંગ’ની રચના અને ફાયર ફાઇટરોની નવી ભરતીને મંજૂરી​

વરસાદી ગટર, પાણીની લાઈનો અને કચરાના નિકાલ માટે કરોડોના ખર્ચને બહાલી; AMCની ભરતીની લાયકાતનો વિવાદિત મુદ્દો પરત ખેંચાયો

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની સાપ્તાહિક બેઠક આજે યોજાઈ હતી, જેમાં શહેરના વિકાસ અને વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે વિવિધ 20 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. લાંબી ચર્ચા-વિચારણાના અંતે સમિતિ દ્વારા 19 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે એક મહત્વની દરખાસ્ત ટેકનિકલ કારણોસર પરત કરવામાં આવી છે.
શહેરની સુરક્ષા અને ફાયર સેફ્ટીના નિયમોના કડક અમલીકરણ માટે ‘ફાયર પ્રિવેન્શન વિંગ’ની રચના કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નવી વિંગ માટે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરથી લઈને ફાયરમેન અને ક્લાર્ક સુધીની કુલ 34 નવી જગ્યાઓનું મહેકમ ઊભું કરવામાં આવશે.
શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ ઘટાડવા માટે ‘એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023’ અંતર્ગત ખસીકરણ અને રસીકરણની કામગીરીને મંજૂરી અપાઈ છે. આ સાથે જ, ચારેય ઝોનમાં શ્વાન માટે શેલ્ટર હોમ બનાવવાની અને નવી ડોગ-વાન તથા બોલેરો ગાડીઓ ખરીદવાની પણ વિચારણા કરવામાં આવી છે. જોકે, આ માટેના મોટા ખર્ચને ધ્યાને રાખી અલગથી ટેન્ડર પ્રક્રિયા કરીને નવી દરખાસ્ત રજૂ કરવા જણાવાયું છે.
વડોદરા કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (વર્ગ-1 અને 2) ની જગ્યાઓની લાયકાતમાં સુધારો કરવા અને સીધી ભરતી અંગેની દરખાસ્ત કમિશનરના પત્રના આધારે પરત ખેંચવામાં આવી છે.
​શુક્રવારની આ બેઠકમાં લેવાયેલા આ નિર્ણયોથી શહેરની આંતરમાળખાગત સુવિધાઓમાં સુધારો થશે અને ફાયર સેફ્ટી જેવી પાયાની જરૂરિયાતો માટે વધુ સક્ષમ વ્યવસ્થા ઊભી થશે તેમ સ્થાયી સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું.

બેઠકમાં અન્ય મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા…
*ગટર અને સફાઈ: ફતેગંજ વિસ્તારમાં આરસીસી કવર વરસાદી ચેનલ બનાવવા માટે ₹2.45 કરોડના કામને મંજૂરી અપાઈ. ઉત્તર અને પૂર્વ ઝોનમાં વરસાદી ગટર સફાઈ માટે નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.
*​પાણી પુરવઠો: શહેરના વિવિધ વોર્ડમાં પાણીની નવી લાઈનો નાખવા અને નિભાવણીના કામોને બહાલી અપાઈ. પીવાના પાણીના પ્રોજેક્ટ્સ માટે ચાર કન્સલ્ટન્ટ એજન્સીઓની નિમણૂક કરવામાં આવી છે.
*​કચરાનો નિકાલ: મકરપુરા લેન્ડફિલ સાઈટ ખાતે 2 લાખ મેટ્રિક ટન ઘન કચરાના પ્રોસેસિંગ માટે મંજૂરી આપવામાં આવી છે.
*​નવા પ્રોજેક્ટ્સ: સુભાનપુરામાં તોડી પડાયેલ અતિથિગૃહના સ્થાને ₹7.41 કરોડના ખર્ચે નવું આધુનિક અતિથિગૃહ બનાવવાની દરખાસ્ત મંજૂર થઈ છે.

Most Popular

To Top