વડોદરા તા.29
વડોદરા જિલ્લાના કરચીયા ગામે આવેલી ક્રિષ્ના એન્ટર પ્રાઇઝમાં એસઓજી તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં એન્ટર પ્રાઇઝના માલિક દ્વારા ગેરકાયદે પ્રતિબંધિત પ્લાસ્ટીકનુ ઉત્પાદન કરવામાં આવતું હોવાની વિગતો જાણવા મળી હતી. જેથી એસઓજી દ્વારા ગોડાઉન માલિક વિરુદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ઔદ્યોગિક એસ્ટેટ આવેલી કંપનીઓ દ્વારા અલગ-અલગ ચીજ વસ્તુઓનુ પ્રોડક્શન, પ્રોસેસિંગ કરવામાં આવતું હોય છે. જેમાં પર્યાવરણને નુકસાન પહોચાડતી તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી કંપનીઓ અને દુકાનો વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર દ્વારા સુચના કરાઈ હતી. જેના આધારે એસઓજીની અલગ ટીમો દ્વારા આવા પર્યાવરણને નુકસાન પહોંચાડતી તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તે રીતે વગર લાયસન્સે પ્રોડક્શન અને પ્રોસેસ કરતી કંપનીઓ તથા દુકાનો તેમજ પ્રોડક્શન હાઉસો ઉપર સતત વોચ તપાસ રાખી કાયદેસર કાર્યવાહી કરવા પેટ્રોલીંગની કામગીરી કરાઈ રહી હતી. તે દરમ્યાન એસઓજીની ટીમને બાતમી મળી હતી કે જવાહરનગર કરચીયા ગામે આવેલી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝમાં લાયસન્સ વિના ગેરકાયદે પ્લાસ્ટીકનું પ્રોડક્શન કરવામાં આવે છે. જે બાતમી આધારે એસઓજીની ટીમ દ્વારા બાતમી વાળી જગ્યા પર આવેલા ગોડાઉનમાં રેઇડ કરાઈ હતી. ત્યારે પ્લાસ્ટીકનુ પ્રોડક્શન કરવામાં આવી રહ્યું હતું અને આ જગ્યા ઉપર નિખિલ નરેન્દ્ર ઠક્કર (રહે.અનગઢ કોલીની, બાજવા, વડોદરા) બે મજૂરીયાત માણસો સાથે હાજર હતો. ત્યારે પ્લાસ્ટીકના પ્રોડક્શન બાબતેનું લાયસન્સ ડાઉન માલિક પાસે માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવ્યુ હતું. પ્રોડક્શન થયેલુ પ્લાસ્ટીક શંકાસ્પદ જણાય આવ્યું હતું. જેથી એસ ઓ જી દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરાઈ હતી. ત્યારે બોર્ડના ડેપ્યુટી એન્વાયરમેન્ટ એન્જિનિયર આર પી રાણા તથા આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ એન્જિનિયર કે આર રાઠવાએ સ્થળ પર આવતા પ્લાસ્ટિકનું થીકનેસ ગેઝ મીટર વડે પરીક્ષણ કરતા 30 માઇક્રોન જેટલી જણાઇ આવી હતી. જેથી પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ એમેન્ડમેન્ટ રૂલ્સના અંતર્ગત કેરી બેગની થીકનેસ 120 માઇક્રોન તથા પેકિંગ બેગની થીકનેસ 50 માઇક્રોન નક્કી કરી છે. લાયસન્સ ન હોવા છતાં ગોડાઉન માલિક દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીકનું ઉત્પાદન કરી પર્યાવરણને નુકસાન પહોચાડતી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી એસઓજી દ્વારા એનવાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ મુજબ કિષ્ના એન્ટરપ્રાઇઝના માલિક નિખિલ નરેન્દ્ર ઠક્કરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.