પ્રતિનિધિ વડોદરા તા.6
વડોદરા શહેરના છાણી કેનાલ રોડ પર રહેતા અને પ્રતાપનગર રેલવે ડીઆરએમ ઓફિસમાં ફરજ બજાવતા સિનિયર સેક્શન ઓફિસરના મકાનમાં તસ્કરો ત્રાટક્યાં હતા. તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ મળી રૂ. 2.80 લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. રેલવે અધિકારીના પત્નીએ ચોરીની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના છાણી કેનાલ રોડ પર આવેલા ક્રિષ્ના પ્લાનેટમાં રહેતા પુજાબેન યોગેશભાઈ મહેન્દ્ર ગોત્રી ખાતેના કલાસીસમાં ટીચર તરીકે નોકરી કરે છે. તેમના પતિ ભારતીય રેલ્વેમાં પ્રતાપનગર ખાતે આવેલી ડીઆરએમ ઓફીસમાં સિનિયર સેક્શન ઓફીસર છે. 20 મેના રોજ વડોદરાથી ભોપાલ પિયરમાં ગયા હતા. 31 મેના રોજ ભોપાલથી વડોદરા ઘરે પરત આવી હતી. દરમ્યાન પતિ સમય મુજબ સવારના નવ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી તેમની નોકરી પર જતા રહેતા હતા. ગત 4 જૂનના રોજ સવારના સાડા નવેક વાગ્યે ટ્યુશન ટીચર ઘરની સાફ સફાઈ કરી રહી હતી. દરમ્યાન તેમના ફલેટના હોલમાં કબુતર ઘરમાં ન આવે માટે જાળી લગાવેલી હતી. તે જાળી કોઇએ કાપી નાખી હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી મહિલાને ઘરમાં કઈ અજુગતુ થયુ હોવાનું લાગ્યું હતું. જેથી મહિલાએ બેડરૂમમાં રાખેલી તિજોરીમાં તપાસ કરતા ડ્રોઅરમાં રાખેલા સોનાના દાગીના અને રોકડા રૂપિયા મળી ગાયબ હતા. મહિલા પિયરમાં ભોપાલ ગયા હતા ત્યારે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને કબૂતરની જાળી કાપી મકાનના બેડરૂમમાં રાખેલી તિજોરીમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા 10 હજાર મળી રૂપિયા 2.80 લાખની મતાની ચોરી કરીને ચોરો ફરાર થઈ ગયા હતા. જેથી રેલવેના સિનિયર સેક્શન ઓફિસરના પત્નીએ ચોરીની ફરિયાદ નોંધાવી છે.