સયાજીબાગ ખાતે આયોજિત બાળ મેળામાં નવલું નઝરાણું લેસર શો આકર્ષણ જમાવશે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.22
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા આગામી તારીખ 24,25 અને 26 જાન્યુઆરી 2025 ના રોજ સયાજી કાર્નિવલ 52માં બાળમેળાનું સયાજીબાગ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ખાસ આ વર્ષથી શરુ થનાર બાળ મેળાનું નવલું નઝરાણું લેસર શોનું આયોજન કરવામાં આવ્યું છે.

1953 ના વર્ષમાં બાળમેળાની શરૂઆત કરવામાં આવી હતી. બાળમેળાનું સમગ્ર સંચાલન લોકશાહી ઢબે બાળકો થકી, બાળકો વડે, બાળકો માટે, બાળકો દ્વારા યોજાતો બાળમેળો સમગ્ર ભારતભરમાં સૌપ્રથમ છે. બાળકો દ્વારા સંચાલિત બાળમેળો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વિશિષ્ટ નજરાણું છે. બાળકોને સર્જનાત્મકતાના અવકાશમાં ઉડાન ભરવાની સોનેરી તક એટલે બાળમેળો બાળકોના સ્વપ્નોને સાકાર કરવા તથા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે બાળમેળાનું આયોજન અને સંચાલન શિક્ષણ સમિતિના બાળકો દ્વારા કરવામાં આવે છે. સમિતિના અધ્યક્ષ નિષીધ દેસાઈ,ઉપાધ્યક્ષ અંજના ઠક્કર અને શાસનાધિકારી શ્વેતાબેન પારગીએ જણાવ્યું હતું કે, પ્રતિ વર્ષની જેમ આ વર્ષે બાળમેળામાં નવિન અને આધુનિક શૈક્ષણિક પ્રોજેક્ટો, શુદ્ધ અને સાત્વિક નાસ્તો, સાંસ્કૃતિક કાર્યક્રમો, મનોરંજન વિભાગ, કલા વિભાગ તથા ખાસ આ વર્ષથી શરુ થનાર બાળ મેળાનું નવલું નઝરાણું લેસર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો વિષય ભારત દેશના અમર ઐતિહાસિક પાત્રોમાંના એક એવા ૧૮ મી સદીના રાણી અહલ્યાબાઈ હોલકર દ્વારા શરૂ કરવામાં આવેલ કન્યા કેળવણીની જ્યોતને ભારતના મા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા સતત સળગતી રહે તે હેતુ ચરિતાર્થ કરતાં લેસર શો નું ભવ્યનિદર્શન કરવામાં આવનાર છે. આ ઉપરાંત ગત વર્ષના બાળમેળાથી શરૂ કરેલ વિવિધ કાર્યક્રમો જેવા કે, KBG (કૌન બનેગા જ્ઞાનપતિ), અંતાક્ષરી અને ટેલેન્ટ હન્ટ કે જેને મુલાકાતીઓ દ્વારા ખુબજ પસંદ કરવામાં આવ્યા હતા તે પણ અનેરું આકર્ષણ જમાવશે, જેનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલ ટેલેન્ટને બહાર લાવવાનો અને બાળકોની પ્રતિભા નિખારવાનો છે. આ ઉપરાંત નગરજનો માટે મનોરંજન વિભાગમાં કઠપૂતળીનો ખેલ, કાર્ટુન કેરેક્ટર્સ, મુન વોકર્સ, મોગલી વોક જેવા આનંદ પ્રમોદના વિભાગો મુકવામાં આવશે.