Vadodara

વડોદરા : નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્રને વિદેશ મોકલી આપવાનું કહી ઠગોએ રુ. 4.36 લાખ ખંખેર્યા

માંજલપુરમાં રહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્ર સાથે ઠગાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પોલીસ પુત્રને વિદેશ મોકલવાનું કહીને સિંગાપોર એસ પાસ કાઢી આપવાના બહાને તેમની પાસેથી રૂપિયા 4.36 લાખ ભેજાબાજોએ પડાવ્યા હતા. વિદેશ જવા માટેની કોઈ પ્રોસેસ નહીં કરતા નિવૃત પોલીસ કર્મચારીએ રૂપિયા પરત આપી દેવા કહ્યું હતું. ત્યારે ઠગે પ્રાઇવેટ બેંકના રકમ લખી બે ચેક આપ્યા હતા. જે ચેક બેંકમાં ડિપોઝિટ કરાવતા બેંકમાં એકાઉન્ટ જ ન હોય રિટર્ન થયા હતા. જેથી નિવૃત્તિ પોલીસ કર્મચારીએ બે ઠગ વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ બંનેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા મનહર નગર-2 માં રહેતા ઝવેરભાઈ હીરાભાઈ રોહિત પોલીસ ખાતામાથી એએસઆઇ તરીકે નિવૃત્ત નિવૃત જીવન ગુજારે છે. તેમના દીકરા કિશોરને નોકરી માટે વિદેશ જવાનું હોય કિશોર મકરપુરા રોડ નવીનો સામે મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં ઓફિસ ધરાવતા નીલેશ ચૌહાણની ઓફીસમાં ગયો હતો. ત્યારે ઓફીસમાં બેસતા ભાવેશ દેસાઈ દ્વારા પિયુષ પટેલનો સંપર્ક થયો હતો. તેમને વિદેશ જવા માટેની વાર કરવા સાથે સિંગાપોર એસ પાસ કાઢી આપવાની વાત કરી હતી. ત્યારે પિયુષ પટેલે કિશોરને હું પણ સિંગાપોર જવાનો છું તો તું પણ મારી સાથે ચાલ તેમ જણાવ્યું હતું. કિશોરે આ વાતની જાણ તેના પિતાને જણાવતા તેઓ પણ સંમત થયાં હતા. પોલીસ પુત્ર ભાવેશભાઈ દેસાઈને ઓળખતો હોય ભાવેશભાઈની વાતમાં આવી પીયુશ પટેલને સિંગાપુર જવા માટેની પ્રોસેસ માટેનું કામ આપ્યું હતું. જેથી તેણે સિંગાપોરના એસ પાસ માટે રૂ.3.26 લાખનો ચેક 19 જૂન 2023 ના રોજ આપ્યો હતો. બે મહિના સુધી અવારનવાર ફોનથી કોન્ટેકટ કરતા પીયુષ પટેલને ફોન કરતાં તેણે કિશોરને તારૂ કામ થઈ જશે તેમ કહી ફરીથી પૈસાની માંગતા હતા. બીજા રૂપિયા 1.10 લાખનો ચેક માંજલપુર વિસ્તારમાં આવેલા સરસ્વતિ કોમ્પલેક્ષમાં આપ્યો હતો અને તેજ દિવસે સિંગાપોરના એસ પાસ નું કામ થઈ જશે ને તેમ પૂછતા તેણે નિવૃત્ત પોલીસ કર્મચારીને જો એસ પાસની પ્રોસેસ કેન્સલ થશે તો તમારા પૈસા પુરા પાછા આપી દઈશું. જે નોટરાઈજ એગ્રીમેન્ટ સરસ્વતિ કોમ્પલેક્ષમાં માંજલપુર વડોદરા ખાતે કરી આપ્યો હતો. ત્યારબાદ પીયુષ નિલેશકુમારની ઓફિસ છોડી ક્યાંક જતો રહ્યો હતો અને કામ સમયસર ન થતા ફોનથી કોન્ટેક્ટ કરતા પિયુષે સિંગાપોર માટેના એસ પાસની કોઈ પ્રોસેસ કરી નથી એમ જણાવતા પૈસા પરત માંગ્યા હતા. ત્યારે તેણે વલ્લભવિદ્યાનગર આણંદની કોટક બેન્કના રૂ. 3.36 લાખ તથા રૂ. 1 લાખના ખોટા ચેક કુરીયર મારફતે તેમને મોકલાવ્યા હતા. જે રૂ. 3.36 લાખનો ચેક બેન્કમાં જમા કરવતા પરત આવ્યો હતો. જેથી નિવૃત્ત પોલીસ કર્મચારી નિલેશ ચૌહાણની ઓફીસમાં રૂબરૂ ગયા ત્યારે ભાવેશ દેસાઈ હાજર હોય તમે છેતરપીડી કરી છે તેમ કહ્યું હતું. બાદમાં નિલેશને પિયુષ વિશે પુછપરછ કરતા તેમણે એક પેપર કટીંગ બતાવી પીયુષ બીપીએલ છે તેને તેના પિતાએ ઘરમાથી કાઢી મુકયો છે. મોટા ભાગે સ્વામિનારાયણ મંદીરમાં ફરતો ફરે છે અને આ પહેલા પણ આવા ગુના કરી ચૂક્યો છે. પિયુષ પટેલનો ફોન કોન્ટેક્ટ કરવા છતા ફોન ઉપાડતો ન હતો. આમ સિંગાપોર માટેના એસ પાસ બનાવી 4.36 લાખ રૂપિયાની છેતરપીંડી કરી હોય નિવૃત એએસઆઇએ નિલેશ મનુ ચૌહાણ તથા ભાવેશ હકુમત દેસાઈ વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top