Vadodara

વડોદરા : તરસાલી ચેક પોસ્ટ પરથી રૂ. 13.50 લાખની રોકડ રકમ સાથે તરસાલીનો શખ્સ ઝડપાયો

બોડેલી ખાતેની જમીન વેચી હોય તેના રૂપિયા હોવાનું આ શખ્સનું રટણ

એસએસટીએ હાલમાં રોકડ રકમ બોક્સમાં સીલ કરીને મકરપુરા પોલીસની કસ્ટડીમાં સોંપી

(પ્રતિનિધિ) વડોદરા તા.25

વડોદરા શહેરની તરસાલી ચેક પોસ્ટ પરથી ચૂંટણી પંચની એસએસટીની ટીમે તરસાલીના શખ્સને 13.50 લાખ રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો હતો. રોકડ રકમને હાલમાં બોક્સમાં સીલ કરીને મકરપુરા પોલીસની કસ્ટડીમાં સોંપાઇ છે. રોકડ રકમ સાથે ઝડપાયેલા શખ્સે પોતાની બોડેલી ખાતેની જમીન વેચી હોય તેના રૂપિયા હોવાનું કહ્યું છે જેથી તેની પાસે વેચાણ દસ્તાવેજ સહિત ડોક્યુમેન્ટસ મંગાવી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

લોકસભાની ચૂંટણની જાહેરા સાથે આચારસંહિતનો પણ અમલ શરુ થઇ ગયો છે. જેને લઇને પોલીસ વિભાગ દ્વારા કોઇ પણ ગેરકાયદે પ્રવૃતિ ના થાય તથા કોઇ અનિચ્છનીય બનાવ ન બને માટે સઘન રીતે વાહન ચેકિંગ તથા ફેટ પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે. બીજી તરફ ચૂંટણની પંચની સ્ટેટિક સર્વેલન્સની ટીમ (એસએસટી) દ્વારા દ્વારા રાજકીય ગતિવિધિઓ પર સતેજ નજર રખાઇ રહી છે. ત્યારે ગત બુધવારે મોડી રાત્રીના સમયે એસએસટીની ટીમને બાતમી મળી હતી કે એક શખ્સ તરસાલી ચેક પોસ્ટ પર બેગમાં રૂપિયા ભરીને આવવાનો છે. જેના આધારે સ્ટેટિક સર્વેલન્સની ટીમે સ્થળ પર પહોંચી ગઇ હતી અને વોચ રાખી હતી. દરમિયાન એક શખ્સ બેગમાં લઇને આવતા તેને પકડી પુછપરછ કરી હતી. ત્યારે તેણે પોતાનું નામ હરીશ પરમાર (રહે. તરસાલી) હોવાનું જણાવ્યું હતું. તેના પાસેની બેગમાં તપાસ કરતા 13.50 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. જેની અંગે તેણે કહ્યું હતું કે મારી છોટાઉદૈપુર જિલ્લાના બોડેલી ખાતે જમીન આવેલી છે જે જમીન વેચાણ કરી નાખી હોય તેમાંથી આવેલા રૂપિયા છે. જેથી હાલમાં રોકડા રૂપિયા એક બોક્સમાં સીલ કરીને મકરપુરા પોલીસની કસ્ટડીમાં મુકવામાં આવ્યા છે. જ્યારે હરીશ પરમાર પાસે પણ જમીન વેચાણ કરી હોય તો તેના દસ્તાવેજની માગણી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. જમીનના દસ્તાવેજની ખાતરી કર્યા બાદ આગળની કાર્યવાહી એસએસટી દ્વારા કરવામાં આવશે.   

Most Popular

To Top