હરીયાણાથી ગુજરાતમાં દારૂ ઘુસાડાના નેટવર્કનો પર્દાફાશ, દારૂ-બિયરનો જથ્થો, ટ્રક અને ટ્રાન્સફોર્મર મળી રૂ.43.19 લાખનો મુદ્દામાલ કબજે
પ્રતિનિધિ વડોદરા તા.9
હરિયાણાથી ઇલેક્ટ્રીક સામાનની આડમાં ગુજરાતમાં દારૂનો જથ્થો ઘુસાડતી મેવાતી ગેંગના બે સાગરીતોને પીસીબીએ ઝડપી પાડ્યા હતા. ટ્રકમાંથી રૂ. 10.10 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બિયર અને દારૂનો જથ્થો, બે મોબાઇલ, ટ્રક રૂ.15 લાખ, રોકડ રકમ, બે મોબાઇલ અને ટ્રાન્સફોર્મર રૂ.17.88 લાખ મળી 43.19 લાખના મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે હરણી પોલીસને સુપ્રત કર્યો હતો.
હરિયાણા નુહથી ટ્રકમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરની આડમાં પ્લાયના બોક્સમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને નીકળ્યો છે અને હાલોલ થઇ ગોલ્ડન ચોકડી પાસેથી પસાર થવાનો છે. તેવી બાતમી પીસીબી પીઆઇ એસ ડી રાતડાને મળી હતી. જેના આધારે પીઆઇની સૂચના મુજબ પીસીબીની ટીમે ગોલ્ડન ચોકડી ક્રિષ્ણા હોટલ સામે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનો ટ્રક આવતા તેને ઉભો રખાવી તેમાં તપાસ કરતા તેમાં ડ્રાઇવર અને ક્લીનર બેઠેલા હતા. જેથી તેમને સાથી ટ્રકમાં તપાસ કરતા વિદેશી દારૂ અને બિયરનો જથ્થો રૂ. 10.10 લાખ, ટ્રક રૂ. 15 લાખ, બે મોબાઇલ 20 હજાર, રોકડ રકમ , ઇલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર રૂ. 17.88 લાખ મળી રૂ. 43.19 લાખનો મુદ્દામાલ સાથે મુસ્તાક કુરશીદ (રહે. નુહ હરીયાણા) અને મુબારક રશીદ (રહે. રાજસ્થાન)ને ઝડપી પાડ્યા બાદ આગળની કાર્યવાહી માટે હરણી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો. જ્યારે ઇર્શાદ, આરીફ મેવ અને મુફીદખાનને વોન્ટેડ જાહેર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઓરીજનલ બિલ્ટી, ઇવે બીલવાળા સહિતના સામાન ટ્રકમાં ભરી બાકીરહેલી જગ્યામાં જગ્યા સામાનની વચ્ચે વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં સપ્લાય કરતા હતા.