200 અરજદારોની એપોઈન્ટમેન્ટ રીશિડયુલ કરાઈ
ગત 19 માર્ચથી સમસ્યા યથાવત રહેતા અરજદારોને હાલાકી
( પ્રતિનિધિ )વડોદરા,તા.21
સમગ્ર રાજ્ય સહીત વડોદરા શહેરમાં પણ દરજીપુરા આરટીઓની કચેરીમાં ટેકનિકલ ઇસ્યુના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેવા પામી છે. જેના કારણે અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે.જોકે આરટીઓ કચેરી દ્વારા 200 જેટલા અરજદારોની એપોઇન્ટમેન્ટ રિશીડ્યુઅલ કરવામાં આવી છે.

વડોદરા સહિત સમગ્ર રાજ્યની આરટીઓ કચેરીમાં સર્વર બંધ રહેતા ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સહિતની કામગીરી બંધ રહેવા પામી છે. જેના કારણે અરજદારો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે. વાહનના પાકા લાયસન્સ માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લઈને આવેલા અરજદારો પરેશાન થઈ ગયા હતા. હાલ તો આરટીઓ કચેરી દ્વારા આ ખામી સર્જાતા તાત્કાલિક અરજદારોને મેસેજ મારફતે જાણ કરી દેવામાં આવી હતી તેમ છતાં કેટલાક અરજદારો આ મેસેજ નહીં વાંચીને આરટીઓ કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમને આજે કામગીરી બંધ હોવાનું ધ્યાને આવતા ફોગટ નો ફેરો રહેવા પામ્યો હતો. મહત્વની બાબત છે કે ગત તા.19મી માર્ચથી આ ખામી સર્જાયેલી છે. ત્યારે હવે આરટીઓ અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. ગુરુવાર સાંજ સુધી પણ સર્વર બંધ રહ્યું હતું. જ્યારે શુક્રવારે પણ આ સર્વર ચાલુ નહીં રહેતા કામગીરી ખોટકાઈ હતી. આ અંગે માહિતી આપતા એઆરટીઓ જીગર પટેલે જણાવ્યું હતું કે ટેકનિકલ ખામીને કારણે ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રાખવામાં આવી છે. જ્યારે 200 જેટલી એપોઇન્ટમેન્ટને રીસીડ્યુલ કરવામાં આવી છે.

