સુરત કેવી રીતે જવાય તેમ પૂછી ભાડાના રૂપિયા માગતા વૃદ્ધાએ 200 રૂપિયા પણ આપ્યાં, તો સામેથી ચેન છીનવી
વડોદરા તા.14
વડોદરાના છાણી શાકમાર્કેટમાં શાકભાજી લેવા ગયેલા 70 વર્ષીય વૃદ્ધા પાસે બે ગઠિયા આવ્યા હતા. બાદમાં સુરત જવાનો રસ્તા બતાવવાનું કહી તેમની પાસે ભાડાના રૂપિયા માગ્યા હતા. જેથી વૃદ્ધાને દયા આવતા 200 રૂપિયા પણ ભાડા માટે આપ્યા હતા. દરમિયાન એક ગઠિયાએ તેમના ગળામાંથી 40 હજારની સોનાની ચેન આંચકી લીધા બાદ બંને બસ સ્ટેન્ડ તરફ ફરાર થઇ ગયા હતા.
વડોદરા શહેરના છાણી ગામમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હુ ઘરકામ કરી ગુજરાન ચલાવું છું. પંદર દિવસ પહેલા હુ મારા ઘરેથી શાકભાજી લેવા માટે સાંજના સમયે નીકળી હતી અને છાણી શાકમાર્કેટ તરફ ચાલતી ચાલતી આવી રહી હતી. તે દરમિયાન એક સ્કુલ બેગ લટકાવીને એક શખ્સ મારી પાસે આવ્યો હતો. તેણે મારે સુરત જવુ મને રસ્તો બતાવો તેમ કહી વાતો કરવા લાગ્યો હતો. થોડીવાર બાદ અન્ય એક શખ્સ પણ મારી પાસે આવ્યો હતો અને મારી પાસે સુરત જવા માટે રૂપિયા નથી તેમે થોડા રૂપિયા આપો તેમ કહ્યું હતું. જેથી મને યુવક પર દયા આવી જતા મે તેને 200 રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ તેણ મને સુરત ક્યાં જવાય તેમ પુછ્યું હતું. દરમિયાન રસ્તા સરકારી સ્કૂલ પાસે પહેલા મળેલા શખ્સે મારા ગળામાંથી સોનાના 40 હજારની સોનાની ચેન તોડી બંને શખ્સો છાણી બસ સ્ટેન્ડ તરફ ભાગી ગયા હતા. હુ ઘણી ગભરાઇ ગઇ હતી અને ત્યાં જ બેસી ગઇ હતી. બાદમાં હુ બીમાર થઇ ગઇ હોવાના કારણે દીકરીને ઘરે રહેવા જતી રહી હતી. છાણી પોલીસે વૃદ્ધાની ફરિયાદના આધારે બંને ગઠિયાની શોધખોળ હાથ ધરી છે.