પોલીસ દ્વારા કેમ આ બુટલેગરો સામે કાર્યવાહી કરાતી નથી ? બુટલેગરો પાસેથી પોલીસ દ્વારા નિયમિત ભરણ ઉઘરાવવામાં આવે છે : સ્થાનિક લોકો
પ્રતિનિધિ વડોદરા તા.25
ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઇના આશીર્વાદના કારણે અલગ અલગ જગ્યા પર ચોવીસ કલાક સુધી દેશી તથા વિદેશી દરૂનું કોઇ પ્રકારના ખૌફ વિના બિન્દાસ્ત રીતે વેચાણ કરાય છે. પોલીસ દ્વારા બુટલેગરો પાસેથી રીતસરનું ભરણ ઉઘરાવવામાં આવતું હોવાના કારણે બૂટલેગરોને જાણે મોકળુ મેદાન મળી ગયું છે. દિવસે અને રાત્રીના સમયે દારૂ પિવા અ્ને લેવા માટે લોકોની અવરજવર રહેવાના કારણે સ્થાનિક મહિલાઓ તથા યુવતીઓ વિસ્તારમાંથી બહાર પણ નીકળી શકતી નથી.
ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે તેમ છતાં પરંતુ સૌથી વધુ દારૂનું વેચાય અને પીવાય છે. તેમાં પણ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વિદેશી દારૂનું ધુમ વેચાણ થઇ રહ્યું છે. પરંતુ પોલીસ જાણે કેમ નજર અંદાજ કરી હોય તે પણ એક સવાલ બની ગયો છે. તાજેતરમાં ગોરવા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. ત્યારબાદ ફરી ત્યાં દારૂનું વેચાણ શરૂ થઇ ગયું છેપરંતુ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઇ કિરીટ લાંઠિયા ને કેમ દેખાતું નથી? ગોરવાના વિવિધ વિસ્તાર જેવા કે દશા માતાના મંદિર પાસે, સમતા વિસ્તાર, ગણેશનગર, તળાવ પાસે, પંચવટી કેનાલ સહિતના અલગ અલગ સ્થળ પાસે પોલીસના છુપા આર્શીવાદથી ચોવીસ કલાક સુધી દેશી અને વિદેશી દારૂનું બિન્દાસ્ત કોઇપણ જાતના ડર વિના વેચાણ કરાય છે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ પોલીસ દ્વારા આ દારૂનો ધંધો કરતા બુટલેગરો પાસેથી દર મહિને ભરણ ઉઘરાવવામાં આવતું હોવાના કારણે તેમની સામે કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી આ દારૂના વેચાણ કરતા બુટલેગરોમાં કોઇ ભય પોલીસનો રહ્યો નથી. જેના કારણે ચોવીસ કલાક દારૂ ખરીદવા આવતા જુદાજુદા પ્રકારના લોકોની સતત અવર જવર રહેવાથી સ્થાનિક લોકોને હેરાન થવુ પડે છે. પરંતુ ગોરવા પોલીસનો સહકાર ધરાવતા બુટલેગરો સામે બોલવાની હિંમત કરતા નથી. લોકોની મુજબૂરી અને પોલીસના મીલીભગતના કારણે બુટલેગરોને જાણે મોકળુ મેદાન મળી ગયું હોય તેવી લાગી ગયું છે.
- બૂટલેગરોની ખુલ્લેઆમ ધમકી પોલીસ અમારુ કાઇ કરી લેવાની નથી
ગોરવા વિવિધ વિસ્તારોમાં દેશી તથા દારૂનું વેચાણ કરતા બૂટલેગરો પર પોલીસના ચાર હાથ હોવાના કારણે સ્થાનિક લોકો પણ તેમની સાથે પંગો લેતા ડરી રહ્યા છે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ બૂટલેગરો ખુલ્લેઆમ લોકોને ધમકી આપતા હોય છે કે સંપૂર્ણ ગોરવા પોલીસ તો સુંપૂર્ણ અમારી છે. જેથી કોઇ અમારા વાળ વાકો થવાતો નથી. જેને લઇને કેટલાક ગણ્યા ગાંઠ્યા અધિકારીઓ અને કર્મચારીઓના કારણે સંપૂર્ણ પોલીસ ડિપાર્ટમેન્ટ બદમાન થઇ રહ્યો છે.
– બુલેગરો અડ્ડાથી 500થી 700 મીટરના અંતરે તેમના માણસો વોચ રાખવા માટે બેસાડે છે
ગોરવા વિસ્તારમાં પંચવટી કેનાલ પાસે બૂટલેગરો દ્વારા ગોડાઉન રાખવામાં આવ્યું છે. જેમાં એક બારીમાંથી દારૂનું વેચાણ કરવામાં આવે છે. આ વહેલી સવારથી મોડી રાત સુધી દારૂનું વેચાણ કરાય છે. ઉપરાંત દારૂનું વેચાણકરતા બુટલેગરો દ્વારા દારૂના અડ્ડાથી 500થી 700 મીટરના અંતરે તેમના માણસો બેસાડવામાં આવે છે. જેથી કોઇ પોલીસ કે એજન્સી આવે તો તેમના દ્વારા દારૂનું વેચાણ કરતા શખ્સોને જાણ કરી દેવાય છે જેથી તેઓ માલ સગેવગે કરીને ફરાર થઇ જાય છે.