માતેલા સાંઢની માફક દોડતા 450 ભારદારી વાહનોના ચાલકોને પણ મેમા ફટકારાયા
વડોદરા શહેરમાં ઓવરસ્પીડમાં વાહન હંકારનાર ચાલકો સામે ટ્રાફિક પોલીસ વિભાગે સપાટો બોલાવ્યો છે. જેમાં સ્પીડગનથી ચેક કરીને ઓવરસ્પીડમાં દોડતા છેલ્લા ત્રણ મહિનામાં 1900 વાહનોના ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાઇ છે. ઉપરાંત સિટી વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં માંતેલા સાંઢની માફક દોડતા 450 ભરદારી વાહનો વિરુધ પણ કાયદેસરની કાર્યવાહી કરાઇ છે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રિક્ષા સહિતના વાહનોમાં ચાલકો દ્વારા નફો રડી લેવાની લાલચમા ક્ષમતા કરતા વધુ માત્રામાં મુસાફરો ઘેટા બકરાની જેમ ભરતા હોય છે. પરંતુ ક્યારેક ઓવરલોડ વાહન હોવાના કારણે હોનારત સર્જાઇ શકે છે. જેથી આવા કેપેસિટી કરતા વધુ મુસાફરો ભરતા વાહનચાલકો સામે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે લાલ આંખ કરીને સોમાતળાવ વિસ્તારમાંથી 27 વાહનો ડિટેઇન કર્યા હતા. આમ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકો સામે સતત કાર્યવાહી કરાતી હોય છે. સ્પીડમાં વાહન ચલાવતા ચાલકો માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પણ પ્રસિદ્ધ કર્યું છે. ઓવરસ્પીડમાં વાહન દોડાવી અન્ય લોકો માટે જોખમી સાબિત થતા ચાલકો સામે પણ સપાટો બોલાવ્યો છે. ત્યારા આવા વધુ ઝડપે વાહન ચલાવતા ચાલકો માટે ટ્રાફિક શાખાની વિવિધ ટીમો બનાવી, અકોટા દાડિયા બજાર બ્રિજ, ફતેગંજ રોડ, એલ એન્ડ ટી, વીઆઇપી રોડ, અટલ બ્રિજ, અલકાપુરી રોડ તેમજ અન્ય રોડ પર લેઝર સ્પીડગન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા ત્રણ મહિનામાં 1900 ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાઇ છે. તેવી જ રીતે પ્રતિબંધિત સમય દરમિયાન પ્રેવશ કરતા 450 ભરદારી વાહનો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 3 માર્ચના રોજ અકોટા દાંડિયા બજાર રોડ ખાતે રેસિંગ વેળા વધુ સ્પીડમાં ચલાવતા ત્રણ બુલેટ ડિટેઇન કરાયા હતા તથા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને કડકબજાર નાકા પાસેથી આડેધડ પાર્કિંગ કરતા 28 રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરાઇ હતી.
- કોઇ રજૂઆત કરે ત્યારે પણ ટ્રાફિક વિભાગ કાર્યવાહી કરવા પહોંચી જાય છે
ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ઓવરસ્પીડ વાહન દોડાવતા ચાલકો, ક્ષમતા કરતા વધુ મુસાફર ભરતા વાહનો અને શહેરમાં ફરતા ભારદારી વાહનો સામે સતત કાર્યવાહી કરવામાં આવતી હોય છે. મારી સુચના બાદ સોમતળાવ વિસ્તારમાંથી વધુ મુસાફરતા ભરતા 27 વાહનો સામે કાર્યવાહી કરાઇ છે. છેલ્લા ત્રણ મહિનામાં 1900 ઓવરસ્પીડ અને 450 ભારદારી વાહનો સામે લાલ આંખ કરાઇ છે. જ્યારે કોઇના દ્વારા રજૂઆત કરાય ત્યારે પણ અમારો ટ્રાફિક વિભાગ દ્વારા ત્યાં કાર્યવાહી કરાતી હોય છે. જ્યોતિબેન પટેલ, ડીસીપી ટ્રાફિક