બ્રિજની કામગીરી ટાણે આડેધડ કામગીરી,ગેસની મુખ્ય લાઈન ડેમેજ થતા પુરવઠો ખોરવાયો :
વિસ્તારના આશરે 2500 જેટલા મકાનોને અસર :
( પ્રતિનિધિ )વડોદરા,તા.26
શહેરના સમા વિસ્તારમાં ચાલી રહેલી બ્રિજની કામગીરી દરમિયાન 125 એમ એમની મુખ્ય ગેસની લાઈન ડેમેજ થતા સવારના સમયે અલગ અલગ ત્રણ વિસ્તારમાં અઢી હજાર જેટલા મકાનમાં ગેસના પુરવઠામાં વિક્ષેપ સર્જાયો હતો.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં હાલ બ્રીજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. સવારે 10 વાગ્યાના સુમારે અહીં ખોદકામ ટાણે 125 મિમીની ગેસની મુખ્ય નળીકા ડેમેજ થઈ હતી. જેના કારણે ગેસ વિભાગ દ્વારા આગળથી ગેસનો પ્રવાહ બંધ કરી યુદ્ધના ધોરણે મરામતની કામગીરી શરૂ કરી હતી. ગેસનો સપ્લાય બંધ કરાતા સમા, ટી પી 13 અને છાણી વિસ્તારમાં અંદાજે 2500 જેટલા મકાનોમાં ગેસનો પુરવઠો લગભગ દોઢ કલાક સુધી ખોવાઈ ગયો હતો. સવારે રસોઈ બનાવવાના સમય જ ગેસ પુરવઠો ખોરવાતા ગૃહિણીઓ હેરાન થઈ હતી. જોકે અંદાજે 11:30 કલાકે ગેસ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે શહેરમાં આ પ્રકારે થતી કામગીરીના કારણે અનેક વખત લોકોને હાલાકી પડી છે. કોન્ટ્રાકટર આડેધડ કામગીરી કરતા હોવાથી ઘણી વખત પાણીની અને ડ્રેનેજોની લાઈનમાં લીકેજ થતા હોય છે. ત્યારે હવે બ્રિજ બનાવવાની કામગીરીમાં પણ પાણી ડ્રેનેજની સાથે સાથે ગેસ લાઈનોમાં ભંગાણ પડવાનો દોર શરૂ થયો છે.