એમએસયુની મેઈન બિલ્ડીંગ ખાતે ઉગ્ર સુત્રોચાર કર્યા
પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી ખાતે મહિલાઓ પર થયેલ અત્યાચાર અને દુષ્કર્મ મામલે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
પશ્ચિમ બંગાળમાંના સંદેશખાલી ખાતે મહિલાઓ પર થયેલા અત્યાચારને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજી મમતા બેનર્જીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ દરમીયાન સયાજીગંજ પોલીસે એબીવીપીના પાંચ કાર્યકરોની અટકાયત કરી હતી.
પશ્ચિમ બંગાળના સંદેશખાલી ખાતે મહિલાઓ પર થયેલ કથિત અત્યાચાર અને દુષ્કર્મના મામલે ભાજપ પ્રેરિત તમામ સંગઠનો દ્વારા દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે. જેમાં એમ.એસ.યુનિવર્સીટીની મેઈન બિલ્ડીંગ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંગઠન દ્વારા પણ દેશ વ્યાપી વિરોધ પ્રદર્શન , સહી ઝુંબેશ યોજી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા શહેર ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનોએ સૂત્રોચારની સાથે મમતા બેનર્જીના પૂતળાનું દહન કર્યું હતું. જેમાં સયાજીગંજ પોલીસે પાંચ જેટલા વિદ્યાર્થી આગેવાનોની અટકાયત પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશની સરહદ નજીક આવેલા સંદેશ ખાલી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી તૃણમૂલ કોંગ્રેસના આગેવાન શાહજહાં શેખ અને તેના કાર્યકર્તા દ્વારા હિન્દુ આદિવાસી મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો હતો. જેને રાજ્ય સરકારનું સંરક્ષણ પ્રાપ્ત હતું. દેશની એક માત્ર મહિલા મુખ્યમંત્રી કુમારી મમતા બેનર્જીના શાસનમાં તેમના જ પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતા તથા કાર્યકર્તાઓ દ્વારા તેમના કાર્યાલય ખાતે જ સંદેશખાલી વિસ્તારમાં રહેતી હિન્દુ આદિવાસી મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો અને તેમનું યૌન શોષણ પણ કરવામાં આવતું હતું અને જમીન પર ગેરકાયદે કબજો કરી દેવામાં આવતો હતો. આ ઘટનાને વખોડી કાઢતાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજી મમતા બેનર્જીના પૂતળાનું દહન સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.