: હિન્દુ સંગઠનો અને સમાજના આગેવાનોની એકતા, પોલીસ તંત્ર સક્રિય બનતા યુવતી પરિવાર સાથે ફરી મળી : સમા પોલીસ સ્ટેશન ખાતે દિવસભર સામાજિક આગેવાનો અને કાર્યકરોની હાજરી, અંતે રાત્રે પરિવારને સોંપાઈ દીકરી
વડોદરા:
વડોદરામાં એક વૈષ્ણવ હિન્દુ પરિવારની યુવતીને લગતા બનાવમાં આખરે રાહતનો અંત આવ્યો છે. ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવીના હસ્તક્ષેપ અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. વિજય શાહના સતત પ્રયત્નોથી યુવતીને સુરક્ષિત રીતે પરિવારને પરત લાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ગુરુવાર 5 માર્ચના રોજ એક વિધર્મી યુવક યુવતીને ભોળવીને નિકાહ કરાવી પોતાના ઘરે લઈ ગયો હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પરિવારજનોએ તરત જ સમા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જોકે શરૂઆતમાં કાર્યવાહી સંતોષજનક ન હોવાનું અનુભવાતા પરિવારજનોએ સમાજના આગેવાનોનો સંપર્ક કર્યો હતો.
આ મામલે પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ વિશ્વ હિન્દુ પરિષદના રોહન શાહ અને VIPOના શશીકાંતભાઈ સાથે મળી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. વિજય શાહને રજૂઆત કરવામાં આવી હતી. ડૉ. વિજય શાહે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ શહેર પોલીસ કમિશનર અને જોઇન્ટ પોલીસ કમિશનર સાથે તાત્કાલિક સંપર્ક સાધ્યો અને યુવતીને પરિવારને પરત અપાવવાની માંગણી કરી હતી.
સાથે સાથે ધારાસભ્ય કેયુર રોકડિયાને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ કાર્યવાહી ધીમી હોવાની લાગણી થતાં ડૉ. વિજય શાહે સીધા ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવીનો સંપર્ક કર્યો હતો. તેમના હસ્તક્ષેપ બાદ પોલીસ તંત્ર સક્રિય બન્યું અને સાંજે લગભગ 7 વાગ્યે યુવતી અંગે માહિતી મળી હતી.
પોલીસ દ્વારા યુવતીને પોલીસ હેડક્વાર્ટર ખાતે લાવવામાં આવી, જ્યાં પરિવારજનો સાથે વાતચીત બાદ યુવતી પરિવાર સાથે પરત આવવા તૈયાર થઈ હતી. અંતે રાત્રે લગભગ 10 વાગ્યે યુવતી સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ જાગરણ મંચ, ગૌ રક્ષા મંચ સહિત વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો તેમજ સમાજના આગેવાનો સમા પોલીસ સ્ટેશન ખાતે હાજર રહ્યા હતા. લગભગ 500 જેટલા કાર્યકરો અને આગેવાનો દિવસભર પોલીસ સ્ટેશન ખાતે રહી સમગ્ર પ્રક્રિયામાં સહયોગ આપતા રહ્યા હતા.
પરિવારજનોએ જણાવ્યું હતું કે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવી, ડૉ. વિજય શાહ તેમજ વિવિધ હિન્દુ સંગઠનો અને સમાજના આગેવાનોના સંગઠિત પ્રયત્નોથી દીકરી સુરક્ષિત રીતે પરત મળી છે. પરિવારજનોએ તમામ સહયોગ આપનારાઓનો આભાર વ્યક્ત કર્યો છે.