નશામાં ધૂત કોલેજિયન વિદ્યાર્થીએ બેફામ રીતે કાર ચલાવી પાછળથી રીક્ષાને ટક્કર મારી
રિક્ષાચાલક ઈજાગ્રસ્ત, કાર પલટી ખાઈને ડીવાઈડર સાથે અથડાઈ
(પ્રતિનિધિ), વડોદરા. તા.16
વડોદરા શહેરમાં ફરી એકવાર નશાની હાલતમાં કાર ચાલકે લોકોના જીવ જોખમમાં મુક્યા હતા. વડોદરાના ગોત્રી રોડ પર આવેલી ગોત્રી હોસ્પિટલ પાસે આજે નશામાં ધૂત કાર ચાલકે બેફામ કાર ચલાવીને એક ઓટોરિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે તેના કારણે કાર પલટી ખાઈ ગઈ અને ડિવાઈડર સાથે અથડાઈ હતી. ગોત્રી પોલીસે આરોપીની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતમાં ઓટોરિક્ષા ચાલક ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલુ છે. ઘટનાની જાણ થતાં જ ગોત્રી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે જોયું તો કાર ડિવાઈડર સાથે અથડાયેલી હાલતમાં પડેલી હતી અને તેના ચાલક ઈશાંત રાજેશભાઈ સોની (રહે. એ/86, વૈકુંઠ સોસાયટી, મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ, વડોદરા) કારની બાજુમાં બેસીને બકબક કરી રહ્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે આરોપી ઈશાંત નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હતો. આ કારણે ગોત્રી પોલીસે તેની તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી. પોલીસે આરોપી સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપીની ઉંમર 18 વર્ષ છે અને તે કોલેજમાં અભ્યાસ કરે છે. ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ આર એન પટેલે જણાવ્યું હતું કે, પ્રોહિબિશનનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.