Vadodara

વડોદરામાં : ન્યૂડ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી બે સંતાનોની માતા પર યુવકે દુષ્કર્મ ગુજાર્યું

(પ્રતિનિધિ ) વડોદરા તા.6

વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં રહેતી બે સંતાનોની માતાને યુવકે જો શરીર સંબંધ નહી બાંધવા દે તો ન્યૂડ ફોટા વાઇરલ કરી દેવાની ધમકી આપીને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેથી કંટાળીને પરિણીત યુવતીએ યુવક વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પંચમહાલ જિલ્લાના એક ગામની યુવતીના વર્ષ 2015માં વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં લગ્ન થયા હતા. જેથી યુવતી સાસરીમાં પતિને ઘરે રહેવા માટે આવી હતી. લગ્ન જીવન દરમિયાન મહિલાને સંતાનમાં બે પુત્ર છે. મહિલા સાસરીના ઘરે એકલી હતી તે દરમિયાન તેના ગામમાં રહેતો યુવક આવ્યો હતો અને મોબાઇલમાં મહિલાના ન્યૂડ ફોટા બતાવ્યા હતા. જેથી મહિલા ગભરાઇ ગઇ હતી. ત્યારબાદ યુવકે જો તુ મને શરીર સંબંધ નહી બાંધવા તે તારા ફોટા વાઇરલ કરી નાખીશ તેવી ધમકી આપીને તેના ઘરમાં દુષ્કર્મ ગુજાર્યું હતું અને પરત ગામમાં જતો રહ્યો હતો. દરમિયાન મહિલા પિયરમાં જતા યુવક ત્યાં પણ તેને બ્લેક મેલ કરીને ખેતરમાં મળવા માટે બોલાવી હતી અને અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેથી યુવતી યુવકથી કંટાળી ગઇ હોય તેણીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેની ફરિયાદના આધારે દુષ્કર્મ ગુજારનાર યુવકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top