Vadodara

વડોદરામાં તસ્કરોનો તરખાટ, ત્રણ મકાનમાંથી લાખોની મતાની ચોરી

પ્રતિનિધિ વડોદરા તા. 3

વડોદરા શહેરમાં ઉપરા છાપરી ચોરીની ઘટનાઓને અંજામ આપીને તસ્કરોએ તરખાટ મચાવી મૂક્યો છે. પરંતુ શહેર પોલીસ તંત્ર તસ્કરો પર અંકુશ મેળવવામાં સદંતર નિષ્ફળ જોવા મળી રહ્યું છે. યાકુતપુરા, ગોરવા અને કારેલીબાગ વિસ્તાર મળી ત્રણ બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને સોના ચાંદીના દાગીના અને રોકડ મળી રુ.5.20 લાખની માલમતાની સાફસૂફી કરી પલાયન થઈ ગયા હતા. તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ વારંવાર ચોરી કરી પોલીસના નાઈટ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવી રહ્યા છે.

વડોદરા શહેરમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈપણ પ્રકારનો ડર રહ્યો ન હોય તેમ બિન્દાસ રીતે વિવિધ જગ્યા પર ચોરીની ઘટનાને અંજામ આપી નાઈટ પેટ્રોલિંગના લીરે લીરા ઉડાવી રહ્યા છે. તસ્કરો રાત્રિના સમયે બંધ મકાનને નિશાન બનાવી લાખોની માતાની ચોરી કરીને પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે તસ્કરોએ શહેરના અલગ અલગ ત્રણ વિસ્તારોમાં ચોરીને અંજામ આપીને પોલીસની કામગીરી સામે સવાલ ઊભો કરી દીધો છે. શહેરના યાકુતપુરા વિસ્તારમાં રહેતું દંપતી મહારાષ્ટ્ર ખાતે કામ અર્થે ગયું હતું તે દરમિયાન ચોરોએ તેમના મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી 1.08 લાખની મતાની સાફસૂફી કરી પલાયન થઈ ગયા હતા. તેવી જ રીતે ગોરવા વિસ્તારમાં રહેતો પરિવાર ભોપાલ ખાતે ગયો હતો તે દરમિયાન તેમના બંધ મકાનમાં તસ્કરો ભૂખ્યા હતા અને તિજોરીનું લોક તોડી તેમાં મુકેલા સોનાચાંદીના દાગીના મળી રુ.1.94 લાખની માલમતા ની ચોરી કરી નો દો ગ્યારહ થઈ ગયા હતા. જ્યારે કારેલીબાગ વિસ્તારમાં આર્ય કન્યા સ્કૂલની પાછળ આવેલી શાસ્ત્રી પાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધા નીચેના મકાનને તાળું મારી વહેલી સવારે સ્વામિનારાયણ મંદિરે દર્શન ગયા હતા. તેમનો પુત્ર ઉપરના માળે ઊંઘી ગયો હતો. દરમિયાન તસ્કરો નીચેના મકાનનું તાળું તોડી અંદર ઘૂસ્યા હતા અને તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડા રુ 40 હજાર મળી રુ.2.18 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્રણે ચોરીમાં સ્થાનિક પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top