વડોદરા: વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી સોસાયટીના બંધ મકાનમાંથી એલ્યુમિનિયમના વાસણો, એસી અને રોકડ રકમની ચોરી કરનાર બે તસ્કરને અકોટા પોલીસે ઝડપી પાડયા હતા. ચોરીનો મુદ્દામાલ વેચાણ કરવા અર્થે ફરતી વેળા જેતલપુર બ્રિજ નીચેથી ઝડપાયા હતા.
અકોટા વિસ્તારમાં 23 માર્ચના ઊર્મિ સોસાયટીના બંધ મકાનમાંથી તસ્કરો તિજોરીનું લોક તોડી રોકડા રૂપિયા, રસોડામાં મુકેલા એલ્યુમિનિયમના વાસણો અને એસી મળી 14 હજાર ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જેની મકાન માલિકે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ કરી રહી હતી. જોકે સોસાયટીના સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થઈ ગયા હતા. શનિવારે અકોટા પોલીસની ટીમને બાતમી મળી હતી કે ઊર્મિ સોસાયટીમાં ચોરી કરનાર તસ્કરો પૈકીના બે શખ્સ પેન્ડલ રિક્ષામાં ચોરીનો સામાન ભરીને વેચાણ કરવા અર્થે ફરી રહ્યા છે અને હાલમાં તેઓ જેતલપુર બ્રિજ નીચે ઊભા છે. જેથી પોલીસના માણસોએ સ્થળ પર પહોંચીને બંને તસ્કર કોહિનૂર મહેશ દેવીપુજક અને કિશન ચંદુ દેવીપુજકને ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી 14 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરામાં ચોરીની મુદ્દામાલ પેંડલ રિક્ષામાં વેચવા ફરતા બે તસ્કર ઝડપાયા
By
Posted on