Vadodara

વડોદરાની તરસ છિપાવવા પાલિકાનો ‘માસ્ટર પ્લાન’: પ્રતાપપુરાથી આજવા સરોવરમાં પાણીનો પ્રવાહ શરૂ​

ડ્રેજિંગની કમાલ: વધારાના 1200 મિલિયન લિટર પાણીના સંગ્રહથી પૂર્વ વિસ્તારના લાખો લોકોને મળશે મોટી રાહત

વડોદરા શહેરની જીવાદોરી સમાન આજવા સરોવરમાં પાણીની આવક વધારવા માટે પાલિકા તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી પ્રતાપપુરા સરોવરથી આજવા સરોવર ખાતે પાણી લેવાની શરૂઆત કરવામાં આવી છે, જેના કારણે વડોદરાના પૂર્વ વિસ્તારના રહીશોને આગામી દિવસોમાં પાણીની સમસ્યામાંથી મોટી રાહત મળશે.
ગત વર્ષે વડોદરામાં આવેલી પૂરની સ્થિતિ બાદ રચાયેલી નવલાવાલા સમિતિના સૂચનો મુજબ, આજવા અને પ્રતાપપુરા સરોવરમાં માટી કાઢવાની કામગીરી કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના વડા ધાર્મિક દવેના જણાવ્યા અનુસાર, પ્રતાપપુરા સરોવરમાં અંદાજે 11 લાખ ક્યુબિક મીટર કરતા વધુ માટીકામ કરીને તેની સંગ્રહ ક્ષમતા વધારવામાં આવી હતી.
આ કામગીરીના પરિણામે, પ્રતાપપુરા સરોવરની સંગ્રહ ક્ષમતા જે પહેલા 4200 મિલિયન લીટર હતી, તે વધીને હવે 5400 મિલિયન લીટર થઈ ગઈ છે. ચાલુ વર્ષે થયેલા સારા વરસાદને કારણે આ સરોવરમાં વિપુલ પ્રમાણમાં પાણીનો સંગ્રહ થયો હતો.
મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની મંજૂરી બાદ આજથી આસોજ ખાતેના દરવાજા ખોલીને 11 કિલોમીટર લાંબી ફીડર ચેનલ દ્વારા પાણી છોડવામાં આવ્યું છે. આ વધારાનું પાણી આજવા સરોવરમાં આવવાથી શહેરને અંદાજે 35 દિવસ સુધી ચાલે તેટલો પીવાનો પાણીનો જથ્થો પ્રાપ્ત થશે.
વડોદરાના પૂર્વ વિસ્તારમાં દૈનિક ધોરણે 140 થી 145 એમ.એલ.ડી. પાણી સપ્લાય કરવામાં આવે છે. આજવા સરોવરની સપાટી હાલ 210 ફૂટની આસપાસ હોવાથી નવું પાણી સમાવવાની ક્ષમતા છે. પ્રતાપપુરાથી પાણી આવતા હવે આ વિસ્તારોમાં ઉનાળા કે અન્ય દિવસોમાં પાણીનો કાપ મૂકવાની જરૂરિયાત નહિ રહે તેવી શક્યતા છે. ઘણા વર્ષો બાદ આ પ્રકારે આયોજનબદ્ધ રીતે પ્રતાપપુરાનું પાણી આજવામાં લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
વધેલી જળ સંગ્રહ ક્ષમતા પર એક નજર:
*​ડ્રેજિંગ પહેલાની ક્ષમતા: 4200 મિલિયન લિટર
*​ડ્રેજિંગ બાદની ક્ષમતા: 5400 મિલિયન લિટર
*​થયેલો વધારો: 1200 મિલિયન લિટર
*​માટીકામ: 11 લાખ એમક્યુબ (MQ) કરતા વધુ માટી કાઢવામાં આવી.
*​લાભ: વડોદરાના પૂર્વ વિસ્તારને વધારાના 35 દિવસ સુધી પીવાનું પાણી પૂરું પાડી શકાય તેટલો જથ્થો હવે ઉપલબ્ધ છે.
*​ચેનલની લંબાઈ: પ્રતાપપુરાથી આજવા સુધીની 11 કિલોમીટર લાંબી ફીડર ચેનલ દ્વારા આ પાણી છોડવામાં આવ્યું છે.

Most Popular

To Top