આવતીકાલે યોજાનારી લોકસભા ચૂંટણીની તૈયારીને આખરી ઓપ અપાયો, વડોદરા જિલ્લામાં ત્રણ લોકસભા બેઠક માટે મતદાન થશે
વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન આવતીકાલે યોજાનાર છે.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વડોદરા લોકસભા અને વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ વડોદરા શહેર જિલ્લામાં સમાવિષ્ટ 10 વિધાનસભા મત વિભાગ માટે રવાનગી અને સ્વીકાર કેન્દ્રો નિયત કરવામાં આવ્યા છે.
કલેકટર બીજલ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડોદરા શહેર જિલ્લામાં 2552 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ડભોઇ અને પાદરા વિધાનસભાનો સમાવેશ છોટાઉદેપુર સંસદીય મતવિભાગમાં જ્યારે કરજણ વિધાનસભા મતવિભાગનો ભરૂચ સંસદીય મત વિભાગમાં સમાવેશ થાય છે. વડોદરા શહેરની પાંચ અને વાઘોડીયા તથા સાવલી સહિત કુલ સાત વિધાનસભાનો વડોદરા લોકસભા સંસદીય મત વિભાગમાં સમાવેશ થાય છે. આ કેન્દ્રો ખાતેથી આજે મતદાન સામગ્રી સહિત મતદાન અને સુરક્ષા સ્ટાફ રવાના કરવામાં આવશે.
135-સાવલી વિધાનસભા મત વિભાગ માટે તાલુકા સેવા સદન, સાવલી, ૧૩૬-વાઘોડિયા માટે તાલુકા સેવા સદન, વાઘોડિયા, ૧૪૦-ડભોઈ માટે શ્રીમતી એસ.સી.પી.એફ. કોમર્સ કોલેજ, ડભોઈ, ૧૪૧-વડોદરા (શહેર) માટે કેન્દ્રીય વિદ્યાલય, સમા સાવલી રોડ,૧૪૨- સયાજીગંજ માટે પોલીટેકનીક કોલેજ ફતેગંજ,૧૪૩- અકોટા માટે સરકારી નર્સિંગ કોલેજ. દિવાળીપુરા,૧૪૪- રાવપુરા માટે સરદાર વિનય મંદિર વિદ્યાલય, કારેલીબાગ,૧૪૫-માંજલપુર માટે ભારતીય વિદ્યા ભવન્સ વી.એમ.પબ્લિક સ્કૂલ,મકરપુરા, વડોદરા,૧૪૬-પાદરા માટે એમ.કે.અમીન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, પાદરા,૧૪૭- કરજણ વિધાનસભા મત વિભાગ માટે તાલુકા સેવા સદન, કરજણ ખાતે ડિસ્પેચ-રિસીવીંગ સેન્ટર નિયત કરાયા છે.
વડોદરા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 19,32,348
જેમાં પુરુષ મતદારો – 9,86,691 અને મહિલા મતદારો – 9,45,430 મતદાન કરશે.
કુલ ૧૪ ઉમેદવારે ફોર્મ ભર્યા છે જેમાં ત્રણ રાષ્ટ્રીય પક્ષ અને અન્ય પક્ષ અને અપક્ષ ઉમેદવાર એ ઉમેદવારી નોંધાવી છે.
વડોદરા જિલ્લામાં લોકસભાની ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ના ઘટે તેની અગમચેતીરૂપે જિલ્લા પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે,વડોદરા જિલ્લામાં કુલ 1184 બુથો પર મતદાન થશે તે પૈકી 409 બુથો ક્રિટીકલ તારવવામાં આવ્યા છે,જો કે શહેર વિસ્તારમાં રાવપુરા મત વિસ્તારમાં સૌથી વધુ ક્રિટીકલ 134 બુથ હોવાનું જાણવા મળે છે.
જિલ્લા પોલીસ મુજબ સંવેદનશીલ મથકો પર મતદાનના 48 કલાક પૂર્વે વેબ કાસ્ટિંગ શરૂ કરાશે, જમીનથી 10 ફૂટ ઉપર સીસીટીવી ગોઠવવામાં આવશે,ચૂંટણી વિભાગ દ્વારા સીસીટીવી મોનિટરિંગ હેઠળ જિલ્લાના ક્રિટીકલ મતદાન મથકો પર વેબ કાસ્ટિંગની તૈયારી શરૂ કરાઈ છે. સીસીટીવી મોનિટરિંગ કરાશે. જિલ્લામાં ચૂંટણી દરમિયાન લોખંડી બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પેરા મીલ્ટ્રી ફોર્સની 7 કંપની, 1 એસઆરપી પ્લાટુન સહિત 700થી વધુ જવાનો પોલીસને બંદોબસ્તમાં મદદ કરશે.