મુખ્યમંત્રીએ પ્રશસ્તિપત્ર પાઠવી અભિનંદન આપ્યા
વડોદરા, તા. 15 — વડોદરા શહેરના યુવા સ્નૂકર ખેલાડી પાર્થ નીતિન શાહે સુરત જીમખાના ખાતે યોજાયેલી જુનિયર સ્નૂકર ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપ–2025માં દમદાર પ્રદર્શન કરી ખિતાબ પોતાના નામે કર્યો છે. પાર્થની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ રાજ્યના મુખ્યમંત્રીએ પ્રશસ્તિપત્ર પાઠવી અભિનંદન પાઠવ્યા છે.
અસાધારણ ક્ષમતા અને રણનીતિથી તમામ પ્રતિસ્પર્ધીઓને પરાજય

પાર્થ શાહે ટુર્નામેન્ટ દરમિયાન પોતાની અસાધારણ ક્ષમતા, સંયમ અને ચુસ્ત રણનીતિથી તમામ પ્રતિસ્પર્ધીઓને પરાજય આપી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. તેમની મહેનત અને પ્રતિભા રાજ્યના અન્ય યુવા ખેલાડીઓ માટે પ્રેરણાદાયક બની છે.
ખેલ મહાકુંભથી ઉભરી આવેલી રમતગમત સંસ્કૃતિ

મુખ્યમંત્રીએ પાર્થને પાઠવેલા પ્રશસ્તિપત્રમાં જણાવ્યું હતું કે, રમતગમતના મહત્ત્વને ધ્યાનમાં રાખીને વર્ષ 2010થી ગુજરાતમાં ‘ખેલ મહાકુંભ’નું આયોજન શરૂ કરવામાં આવ્યું હતું, જેના પરિણામે અનેક રમતવીરોને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળી છે. વર્તમાન સરકાર પણ આ પરંપરાને પ્રતિબદ્ધતાપૂર્વક આગળ વધારી રહી છે.
વધુ સિદ્ધિઓ માટે શુભકામનાઓ
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સુરત ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં આપના કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપનો ખિતાબ પ્રાપ્ત કર્યો તે સરાહનીય છે અને આવનાર સમયમાં પણ આવી જ પ્રતિભા તથા પરિશ્રમથી સફળતાના શિખરો સર કરતા રહો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
16 ખેલાડીઓ વચ્ચે પાર્થનું દમદાર પ્રદર્શન
નોંધનીય છે કે સુરત જીમખાના ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપ–2025માં રાજ્યના વિવિધ શહેરોમાંથી કુલ 16 ખેલાડીઓએ ભાગ લીધો હતો. વડોદરાના 19 વર્ષીય પાર્થ શાહે શરૂઆતથી જ સતત દમદાર પ્રદર્શન કરી દરેક રાઉન્ડમાં જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને ફાઇનલમાં પણ શાંતિપૂર્ણ મનોબળ, આત્મવિશ્વાસ અને ટેકનિકલ નિપુણતાથી વિજય મેળવ્યો હતો.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ
પાર્થ શાહ હાલ સબ-જુનિયર રાષ્ટ્રીય રેન્કિંગમાં ભારતનો નંબર 3 ખેલાડી છે અને આંતરરાષ્ટ્રીય વર્લ્ડ સ્નૂકર ટુર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. ઉપરાંત, તેણે વર્ષ 2025માં ગુજરાત રાજ્ય સિનિયર ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ પણ જીતેલી છે.