ચૂંટણી પૂર્વે રાજ્યની વિવિધ અદાલતોમાં 31 ન્યાયાધીશોની બદલી
ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે તે પૂર્વે રાજ્યની વિવિધ અદાલતોમાં 31 ન્યાયાધીશોની બદલીનો ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો અચાનક બદલી થતા વકીલ મંડળમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો.
ચૂંટણી દરમિયાન લાગુ થતી આચારસંહિતાને ધ્યાનમાં રાખીને વિવિધ સરકારી કચેરીઓ ખાતે પણ બદલી નો સિલસિલો શરૂ થયો હતો. મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રે બદલીઓ થતા કર્મચારીઓ તેમજ વિવિધ વિભાગોમાં કભી ખુશી કભી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે રાજ્યની વિવિધ અદાલતોમાં પણ ન્યાયાધીશોની બદલીનો ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો.સમગ્ર રાજ્ય પૈકી મધ્ય ગુજરાત ની વિવિધ અદાલતો ના ન્યાયાધીશોની પણ બદલી થઈ હતી. જે પૈકી આણંદના પ્રિન્સિપાલ અને ડીસ્ટ્રીકટ જજ એવા વિક્રમસિંહ ગોહિલ ની બદલી રાજકોટ ખાતે થઈ હતી જ્યારે વડોદરાના ઉત્કર્ષ દેસાઈની બદલી અમદાવાદ ખાતે , છોટાઉદેપુરના દિલીપ કુમાર ગોહિલ ની બદલી સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવી છે. તે સિવાય દાહોદના ચંદ્રપાલ સિંહ ચૌહાણ અને પ્રેરણા ચંદ્રપાલ સિંહ ચૌહાણની બદલી અનુક્રમે પંચમહાલ ગોધરા અને આણંદ ખાતે થઈ હતી.
