Bharuch

વડોદરાથી હવે સડસડાટ સુરત પહોંચી શકાશે

દહેગામ–કીમ એક્સપ્રેસ-વે નાના વાહનો માટે ખુલ્લો મુકાયો
શનિવારે શુભ ચોઘડિયે શ્રીફળ વધેરી સાંજે 4.15 વાગ્યે ટ્રાફિક શરૂ

ભરૂચ | તા. 10
દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વેના વડોદરા–મુંબઈ સેક્શનના પેકેજ–5 હેઠળ આવતો દહેગામ–કીમ રોડ (લગભગ 34 કિમી) ઉત્તરાયણ પહેલા શનિવારે સાંજે 4.15 કલાકે નાના વાહનો માટે ખુલ્લો મુકાયો. શુભ ચોઘડિયે શ્રીફળ વધેરી બંને બાજુએથી વાહનવ્યવહાર શરૂ કરાયો હતો.

કીમથી દહેગામ સુધીના પેકેજ–5 પર કામગીરી સતત ચાલી રહી હતી અને મહિના અંતે સંપૂર્ણ કાર્યરત થવાની અપેક્ષા હતી. રિજિયોનલ હેડ સુનીલ યાદવે 8 જાન્યુઆરીએ સાઈડ વિઝિટ કરી સેફ્ટી મુદ્દે એક દિવસનો વિલંબ રાખ્યો હતો. તમામ તૈયારી બાદ શનિવારે રોડ ખુલ્લો મુકાયો હતો.


પુનગામ કટ બંધ, એન્ટ્રી–એક્ઝિટ માટે જમીન સંપાદન બાકી

રોડ શરૂ થવા સાથે ઉપયોગી ગણાતો પુનગામ કટ બંધ કરી દેવાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પુનગામ પાસે એન્ટ્રી/એક્ઝિટ માટે જમીન સંપાદન કરીને અંકલેશ્વર–હાંસોટ રોડ સાથે જોડાણ કરવાનું આયોજન છે, પરંતુ જમીન સંપાદન હજી થયું નથી, જેના કારણે પ્રક્રિયામાં સમય લાગી શકે છે.
પુનગામ એપ્રોચ રોડ ફરી બંધ થતા વાહનચાલકો અકળાયા
અંકલેશ્વર નજીક પુનગામ પાસેથી એક્સપ્રેસ-વે પર જતો એપ્રોચ રોડ ફરી એકવાર બંધ કરાતા અંકલેશ્વર, હાંસોટ અને ઓલપાડ તાલુકા તેમજ ત્રણ GIDC વિસ્તારના લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. અંકલેશ્વર તાલુકા પોલીસે બંદોબસ્ત સાથે NHAI દ્વારા એન્ટ્રી ડિવાઈડર બેરીકેડ મૂકીને માર્ગ સંપૂર્ણ બંધ કરાવ્યો છે, જેના કારણે રોજિંદા આવન–જાવન પર અસર પડી છે.
કેન્દ્રીય માર્ગ મકાન મંત્રાલયે ગયા નવેમ્બરમાં એપ્રોચ રોડ શરૂ કરવાની જાહેરાત કરી હતી અને તે સમયે ઉજવણી પણ થઈ હતી. હવે કોઈ આગોતરી જાણ વગર એન્ટ્રી બંધ થતા લોકોમાં “છેતરાયા” હોવાની લાગણી ઊભી થઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર બદલાતા અને અર્ધવટા નિર્ણયોથી સમય, ઈંધણ અને વિશ્વાસ—ત્રણે બરબાદ થાય છે, અને “રોડ બંધ કરીને સમસ્યા નહીં ઉકલે” એવી માનસિકતા સામે કડક ટીકા થઈ રહી છે.

Most Popular

To Top