Savli

વડી સુકવતી વખતે છત તૂટી પડતા 10 મહિલાઓ, 2 પુરુષો અને એક બાળકી દબાયા

ઈંટવાડ ગામે લગ્ન પ્રસંગ દરમિયાન મકાનની છત ધરાશાયી

પ્રતિનિધિ, સાવલી | તા. 23
ડેસર તાલુકાના ઈંટવાડ ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન એક દુઃખદ અને ચિંતાજનક અકસ્માત સર્જાયો હતો. મકાનની છત અચાનક ધરાશાયી થતા કુલ 10 મહિલાઓ, 2 પુરુષો અને એક બાળકી નીચે પટકાયા હતા, જેમાં અનેક લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી, જ્યારે ત્રણ મહિલાઓને ગંભીર ઇજાઓ થતા વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ ઈંટવાડ ગામના રાઠોડ ફળિયામાં રહેતા દિલીપસિંહ પ્રતાપસિંહ રાઠોડના પુત્ર અનિરુદ્ધસિંહ રાઠોડના તા. 5 ફેબ્રુઆરીએ લગ્ન હોવાથી, ગામની મહિલાઓ પરંપરા મુજબ તેમના ઘરે ભેગા થઈ વડી બનાવી રહી હતી. બનાવેલી વડી તડકામાં સુકવવા માટે મકાનના આગળના ભાગે આવેલી છતના પતરા ઉપર મૂકવામાં આવી હતી. સવારે આશરે 10 થી 11 વાગ્યાના અરસામાં છત ઉપર વધુ મહિલાઓ એકત્ર થતાં અચાનક જોરદાર અવાજ સાથે છત ધરાશાયી ગઈ હતી.

ભૂકંપ જેવો ધડાકો, ગામમાં દોડાદોડી
જોરદાર ધડાકાનો અવાજ સાંભળતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. શરૂઆતમાં ભૂકંપ આવ્યો હોવાનું માનીને ફળિયામાં દોડાદોડી મચી ગઈ હતી. છત પરથી નીચે પટકાતા મહિલાઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવતા ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સ ઈંટવાડ ગામે પહોંચી હતી અને તમામ ઘાયલોને ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ત્યાંથી પીનલબેન રણવીરસિંહ રાઠોડને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ બે કલાક પછી અનસુયાબેન રાઠોડ અને જયાબેન રાઠોડને પણ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા.


ઘાયલોની યાદી
મહિલાઓ:
પીનલબેન રણવીરસિંહ રાઠોડ (35)
અનિતા ઉપેન્દ્રસિંહ રાઠોડ (34)
નીરૂબેન પુષ્પતસિંહ રાઠોડ (55)
જયરાજબેન નરેન્દ્રસિંહ રાઠોડ (55)
અનસુયાબેન દિલીપસિંહ રાઠોડ (55)
મનહરબેન ચંદ્રપાલસિંહ રાઠોડ (53)
જાગૃતિબેન યોગેન્દ્રસિંહ રાઠોડ (35)
રેશ્માબેન જયવીરસિંહ રાઠોડ (27)
શીતલબેન રઘુવીરસિંહ રાઠોડ (23)
બાળકી:
• રિશવા જયવીરસિંહ રાઠોડ (1.5 વર્ષ)
પુરુષો:
• જયવીરસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ (31)
• રઘુવીરસિંહ દેવેન્દ્રસિંહ રાઠોડ (24)
આ ઘટના બનતા સમગ્ર ઈંટવાડ પંથકમાં ચકચાર અને ભયનો માહોલ સર્જાયો હતો. હાલ ઘાયલોની સારવાર ચાલી રહી છે અને ગામજનો દ્વારા સલામતી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રિપોર્ટર: વિમલ પટેલ

Most Popular

To Top