આમ તો વડીલ અને વકીલ બંને શબ્દો સરખા દેખાય પરંતુ બંનેની ભૂમિકા અલગ- અલગ છે. ઘર કે સમાજના વયોવૃદ્ધ વ્યક્તિને આપણે વડીલ માનીએ છીએ, વડીલોની માન-મર્યાદા રાખવી જોઈએ. વડીલના સલાહ-સૂચનો, માર્ગદર્શન દોરવણીરૂપ છે. આજની યુવા પેઢી ભલે મનસ્વી બને પરંતુ કહેવાય છે. ‘ઘરડા વિના ગાડા નો હાલે’ વડીલો મફત સલાહ-માર્ગદર્શન આપે છે. કેમ કે તેમની પાસે અનુભવનો નિચોડ હોય છે. જ્યારે કોર્ટ-અદાલતમાં કેસો લડતા ધારાશાસ્ત્રી (વકીલ) જેવો-જેવો કેસ તે પ્રમાણે ફી લેતા હોય છે. વરિષ્ઠ-નામાંકિત વકીલો તો સલાહ આપવાની પણ ફીઝ લેતા હોય છે. આજે તો વકીલ કરતાં નોટરીઓ વધારે કમાય છે. સોગંદનાના-દસ્તાવેજો પર સહીસિક્કા કરીને પ્રેકટીસ કરે છે. નોટરી બન્યા એટલે લોટરી લાગી જેવું મનાય છે. પહેલા વકીલ મર્યાદિત હતા હવે તો અસીલ કરતા વકીલ વધી ગયા જેવો ઘાટ થયો છે.
તરસાડા-પ્રવિણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પ્રજાના સેવકની સેવા
સામાન્ય રીતે પ્રજાની સેવા કરવા સેવક તરીકે ચૂંટાવા હરિફાય થતી હોય છે. સાથે લક્ષ્મી પણ ખૂબ વપરાય છે. ખરેખર પ્રજાના સેવક પ્રજાની સેવા કરે છે ? કે મેવા મેળવે છે. ચૂંટાયેલા સેવક ફરીથી સેવા કરવા અરજી કરે છે ત્યારે સંપત્તિ ઘણી વધી જાય છે આમ કેમ ? એ સામાન્ય વ્યકિત પણ સમજી શકે છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સામ-સામે આક્ષેપથી જાણવા મળે છે કે અરવિંદ કેજરીવાલે કરોડો રૂપિયાનો આલીસાન શિશ મહેલ બનાવ્યો ત્યારે કેજરીવાલે વડાપ્રધાનનાં આવાસ પર ટીપ્પણી કરી હવે પક્ષના કાર્યાલય બાબતે, કોંગ્રેસના 252 કરોડ રૂપિયાના ખર્ચે નવા કોંગ્રેસનું મુખ્યાલય બનાવ્યું જેનું ઉદ્દઘાટન હાલ થયું. ભાજપ પણ આ બાબતે પાછળ રહી જાય તેમ નથી. ભાજપે દેશભરમાં 768 કાર્યાલય બનાવી રહી છે. જેમાં 563 કાર્યાલય તૈયાર થઇ ગયા છે. આ વિગત દર્શાવે છે કે પ્રજાની કેવી સેવા કરે છે. આવા કરોડો રૂપિયા પક્ષના ભંડોળમાં કયાંથી આવે છે ? છેવટે એ મિલ્કત પોતાની અને પક્ષની જ રહેશે ને ?!
અમરોલી -બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.