Charotar

વડતાલ સહિત સ્વામિનારાયણ મંદિરમાં આજથી ચંદનના વાઘા ધરાવાશે

સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં અખાત્રીજથી 42 દિવસ સુધી ચંદનના લેપના શણગાર કરાશે

(પ્રતિનિધિ) આણંદ તા.10

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન દેવોને અખાત્રીજ 10મીથી 21મી જૂન સુધી ચંદનના વાઘા ધરાવવામાં આવશે. આ ઉપરાંત સંપ્રદાયના તમામ મંદિરોમાં અખા ત્રીજથી 42 દિવસ સુધી ચંદનના લેપના શણગાર કરવામાં આવશે.

આ અંગે વડતાલ મંદિરના કોઠારી ડો. સંતસ્વામીએ જણાવ્યું હતું કે, ગ્રીષ્મઋતુમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં દેવોને ચંદનના વાઘા ધરાવવાની પરંપરા છે. વડતાલ ધામમાં અખાત્રીજથી ચંદનના વાઘા દેવોને ધરાવવામાં આવે છે. આ શણગાર રોજ અવનવા હોય છે, દેવોને ચંદનલેપના શણગારમાં કલાત્મક ઓપ આપવામાં પૂજારીઓ હાથની કળા અજમાવતા હોય છે. દેવોને ચંદનના લેપ ઉપર કેસર, ગુલાબ, મોગરો તથા જરબેરા જેવા ફુલોથી વાઘા તૈયાર કરી ધરાવવામાં આવે છે. આ ઉપરાંત તોય આંભલા, રેશમની દોરી વડે સુંદર ગુંથણ કરવામાં આવે છે. જેના દર્શન કરી ભક્તો આનંદની અનુભુતિ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજના દિવસે બદ્રીવિશાલ ભગવાનશ્રી નારાયણનું પૃથ્વીલોક ઉપર હિમાલયના શ્વેત શિખર ઉપર આવેલા ભગવાન શ્રી બદ્રીનાથનું કાયમી નિવાસ સ્થાન છે. પૃથ્વીલોકના મુમુક્ષુ જીવોને મોક્ષ મેળવવા માટેનું એકમાત્ર સાધન એવો મનુષ્ય દેહ આપવા બદલ સમર્પિતભાવથી ભગવાન શ્રીનરનારાયણની આજના દિવસે વિશેષ પુજા કરવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે સૃષ્ટિના તમામ દેવી દેવતાઓ ઋષિ મુનીઓ પરમકૃપાળુ ભગવાન શ્રીનારાયણના દિવ્ય દર્શન પૂજન કરવા માટે પધારે છે. આ મંદિરોમાં વૈદિક વિદ્યાનથી પ્રતિષ્ઠિત થયેલા ભગવાનના શ્રીવિગ્રહને પણ આ ગરમીનો જરા સરખો પણ અહેસાસ ના થાયતે માટે મંદિરોમાં ચંદનના વાઘા ધરાવવામાં આવે છે. બપોરે દેવોને સાકર વરીયાળી અને લીંબુ શરબત પણ ઉત્થાપનના સમયે ધરાવવામાં આવે છે. વૈદિક માન્યતા મુજબ સતયુગનો આરંભ શુભારંભ પણ આજના દિવસે થયેલ હોવાનું મનાય છે.

Most Popular

To Top