GANDHINAGAR : ભૂમાફિયા સામેની અસરકારક લડાઈ લડવા માટે ગત વર્ષે વિધાનસભામાં સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ બિલ (LAND GRABBING BILL) લાવવામાં આવ્યું હતું, જે હવે કાયદો બન્યો છે. અત્યાર સુધીમાં આ કાયદા અંતર્ગત જિલ્લાઓમાં ૬૦૫ અરજીઓ પ્રાપ્ત થઇ છે, જ્યારે ૪૨ અરજીઓ સૂઓ-મોટો મારફત કલેક્ટર દ્વારા પ્રાપ્ત થઇ છે. આમ કુલ ૬૪૭ અરજીઓ ઉપર તપાસ ચાલી રહી છે. આ કાયદા અંતર્ગત ૧૬ એફઆઈઆર નોંધાઈ છે. જેમાં ૧ લાખ, ૩૫ હાજર ચોરસ મીટર જેટલી જમીન ગેરકાયદે પચાવી પડાઈ હોવાનું સામે આવ્યું છે. આ જમીનની હાલના જંત્રીના ભાવ અનુસાર કિંમત જોવા જઈએ તો તે આશરે રૂ.૨૨૦ કરોડની થવા જાય છે, તેવું ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર જણાવ્યું હતું.
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા (ASHISH BHATIYA) એ ગૃહ વિભાગની કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આપણે ‘પાસા’ કાયદામાં સુધારો કરીને તેને વધુ મજબૂત બનાવ્યો છે. ‘પાસા’ લાગુ કરવા માટે હવે જિલ્લા પોલીસ વડા કે કમિશનર કક્ષાએ પ્રસ્તાવ મુકવામાં આવે છે અને સંબંધિત કલેકટરની મંજૂરી બાદ લાગુ કરવાની જોગવાઈ છે. ભાટિયાએ જણાવ્યું હતું કે, ૩૧/૧૨/૨૦૨૦ સુધીમાં જુના અને નવા બંને ‘પાસા’ કાયદા હેઠળ ૧૨૪૭ વ્યક્તિઓ સામે કેસ કરવામાં આવ્યા છે. જુગારધારામાં ૯૦ વ્યક્તિઓ સામે, મની લોન્ડરિંગમાં ૧૫, જાતીય સતામણીમાં ૧૫ અને સાઇબર ક્રાઇમ હેઠળ ૦૯ લોકો સામે ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
‘ગુજસીટોક’ના કાયદા અંતર્ગત એક વર્ષમાં 11 કેસ કરાયા: 100થી વધુ આરોપી ઝબ્બે
‘ગુજસીટોક’ના કાયદા અંતર્ગત છેલ્લા એક વર્ષમાં ૧૧ કેસો કરવામાં આવ્યા છે અને ૧૦૦થી વધુ આરોપીઓને ઝબ્બે કરવામાં આવ્યા છે. આ ધારા હેઠળ વડોદરામાં તાજેતરમાં ૨૬, સુરતમાં ૦૨, અમરેલીમાં ૦૨, અમદાવાદ શહેરમાં ૦૨ તથા જામનગર સહિતના શહેરોમાં કેસ નોંધવામાં આવ્યા છે. નાસતાં-ફરતાં આરોપીઓ સામે પણ કાર્યવાહી કરવાની ઝુંબેશ શરુ કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં ૨૦,૦૦૦થી વધુ લોકોને શોધી કાઢવામાં આવ્યા છે, જેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.