32 વર્ષથી ચાલતી સમસ્યા, સ્થાનિકોની ચિંતામાં વધારો
પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર, ભ્રષ્ટાચારના આક્ષેપો
વડોદરા: વડોદરાના રૂપારેલ કાંસની યોગ્ય દેખરેખના અભાવે
ઘાઘરેટીયા, કૃષ્ણનગર અને વિજયવાડી જેવા વિસ્તારોના સ્થાનિક રહેવાસીઓ વર્ષોથી મુશ્કેલી ભોગવી રહ્યા છે. પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર પૂરતી રહી છે, જ્યારે વાસ્તવમાં કાદવ અને કીચડથી રસ્તાઓ અડધા બંધ છે અને નાળાની સફાઈના અભાવે વરસાદી પાણી ભરાઈ જાય છે.

વિશેષ કરીને નાના બાળકો અને વૃદ્ધો માટે દરરોજના અવરજવર દરમિયાન ભારે મુશ્કેલી સર્જાય છે. સ્કૂલ જતા બાળકોને ભરાયેલા નાળામાંથી પસાર થવું પડે છે, જેના કારણે માતા-પિતાઓમાં ચિંતા વધી છે. ચોમાસા દરમિયાન તો પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે, કારણ કે બીજો કોઈ વિકલ્પ ન હોવાને કારણે બાળકોને રેલવે ફાટક પરથી અવરજવર કરવું પડે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.

કોંગી કોર્પોરેટર અલકા પટેલે પાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, પ્રી-મોન્સૂન કામગીરી માત્ર માનીતા કોન્ટ્રાકટરોને લાભ પહોંચાડવા અને ભ્રષ્ટાચાર માટે જ કરવામાં આવે છે. છેલ્લા 32 વર્ષથી આ સમસ્યા યથાવત છે અને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની અસરકારક કામગીરી કરવામાં આવતી નથી. સ્થાનિકોનું કહેવું છે કે, તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ માત્ર કાગળ પર કામગીરી બતાવીને પોતાના ખિસ્સા ભરવામાં વ્યસ્ત છે.
વિસ્તારના રહીશો અને સમાજસેવકો દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. લોકોની માંગ છે કે, પાલિકા તંત્ર તાત્કાલિક નાળાની સંપૂર્ણ સફાઈ અને પાણીના નિકાસ વ્યવસ્થા કરે, જેથી આવનારા ચોમાસામાં રહેવાસીઓને રાહત મળે.
આ મુદ્દો માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પણ આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સત્તાવાળાઓની બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો વડોદરાની નાગરિક સેવાઓની સ્થિતિ સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે.