Vadodara

રાજમહેલ રોડ પર મરી માતાના ખાંચામાં પોલીસની રેડ

ડુપ્લીકેટ બ્રાન્ડેડ મોબાઈલ એસેસરીઝના વેચાણની શંકાએ રાવપુરા પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ, વેપારીઓમાં ફફડાટ
વડોદરા, તા. 29 :
બ્રાન્ડેડ કંપનીની મોબાઈલ એસેસરીઝના નામે ડુપ્લીકેટ માલનું વેચાણ થતું હોવાની શંકાને પગલે રાવપુરા પોલીસે રાજમહેલ રોડ પર આવેલા મરી માતાના ખાંચામાં રેડ કરી હતી. પોલીસ દ્વારા મોબાઈલની વિવિધ એસેસરીઝ વેચતી દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે વેપારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં મોબાઈલ અને તેની એસેસરીઝની દુકાનો મોટી સંખ્યામાં આવેલી છે. ઘણી વખત કેટલાક વેપારીઓ દ્વારા નામી બ્રાન્ડના નામે નકલી મોબાઈલ એસેસરીઝનું વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદો મળતી રહે છે. આવા કિસ્સાઓમાં ગ્રાહકોને મૂળ બ્રાન્ડ હોવાનું ભાન કરાવી ડુપ્લીકેટ માલ પધરાવી ઠગાઈ કરવામાં આવતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
રાજમહેલ રોડ પર આવેલું મરી માતાનું ખાંચું ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું જાણીતું માર્કેટ હોવાથી ત્યાં અગાઉ પણ બ્રાન્ડેડ કંપનીના નકલી ચિહ્નો ધરાવતી મોબાઈલ એસેસરીઝનું વેચાણ થતું હોવાની ફરિયાદો સામે આવી ચૂકી છે. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને રાવપુરા પોલીસે ફરી એક વખત સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું.
પોલીસે દુકાનોમાં રાખેલી એસેસરીઝની તપાસ કરી હતી અને કોપીરાઈટ કાયદાનો ભંગ કરીને નકલી વસ્તુઓનું વેચાણ થતું હોવાની માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ કાફલાને અચાનક જોઈને ડુપ્લીકેટ માલનું વેચાણ કરતા કેટલાક વેપારીઓમાં ફફડાટ ફેલાયો હોવાનું જોવા મળ્યું હતું. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top